
દેવગઢ બારીયા પંથકમાં ચોમાસામાં પણ સતત ધમધમતું રેતીખનન.
-સરકારી તિજોરીને વરસે દહાડે કરોડોનું નુકસાન પહોંચાડનારા ખનન માફીયાઓને કોના આશીર્વાદ.
દેવગઢ બારીયા પંથકમાં છેલ્લા કેટલાય સમયથી સતત પણે ચાલી રહેલી ગેરકાયદે રેતી ખનનની આ પ્રવૃત્તિ સામે દેવગઢબારિયા પંથકની પ્રજા દ્વારા કેટ કેટલો વિરોધ કરવામાં આવ્યો હોવા છતાં તેમજ આ મામલે અનેકાનેક વખત અખબારી માધ્યમો દ્વારા સંલગ્ન વિભાગ એવા ખાણ ખનીજ વિભાગના માથે માછલા ધોઈ ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં ગેરકાયદેસર રેતી ખનનની આ ગેરપ્રવૃત્તિ અટકવાનું નામ લેતી નથી અને હવે તો આ પંથકમાં ચોમાસામાં પણ રેતી ખનનની ગેરપ્રવૃત્તિ ધમધમતી જોવા મળતાં ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઉભા થયા છે. ખાણ ખનીજ વિભાગના અધિકારી/કર્મચારીઓને આ ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવતા કોણ રોકી રહ્યું છે? જો કોઈ ના રોકતું હોય તો આ ગેરકાયદેસર પ્રવૃતિને નેસ્તનાબૂદ કેમ કરવામાં આવતી નથી? તેવા અનેક વેધક સવાલો હાલ લોક ચર્ચામાં કેન્દ્રસ્થાને રહ્યા છે. જીલ્લાનું ખાણ ખનીજ ખાતું નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવતુ હોવાનું હંમેશા રટણ કરતું રહ્યું છે.
મળેલ બાતમીના આધારે જ્યારે જયારે ખાણ ખનીજ વિભાગ સ્થળ પર પહોંચે છે, ત્યારે તે પહેલા જ ખનન માફિયાઓ સ્થળ પરથી કેમ પલાયન થઈ જાય છે? આવું મોટાભાગની રેઈડ દરમિયાન કેમ બને છે? ખાણ ખનીજ વિભાગની રેડ બાબતની ખનન માફીયાઓને કોણ જાણકારી આપી દે છે? તેમના સ્ટાફનો ફૂટેલો માણસ કે પછી ખાણ ખનીજ વિભાગની કચેરી આગળ કાયમ ફિલ્ડિંગ ભરતો ખનન માફિયાનો માણસ? આ પણ એક તપાસનો વિષય છે.અત્રે એ પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે કે, ગેરકાયદેસર રેતી ખનન અટકાવવાની જવાબદારી કોની કોની? તે વિસ્તારના મામલતદાર ની, પોલીસની કે પછી ખાણ ખનીજ વિભાગની? તે જનતાની જાણકારી માટે જરી બન્યું છે. કારણ કે મોટા પાયે ધમધમતી આ ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિ રાજકીય મોટા માથાની કે સરકારી બાબુઓ સાથેની મીલીભગત વિના શક્ય જ નથી. ત્યારે સરકારી તિજોરીને વરસે દહાડે કરોડોનું નુકસાન પહોંચાડનારા ખનન માફિયાઓને કોના આશીર્વાદ? આ યક્ષ પ્રશ્ર જીલ્લાના જનમાનસમાં વાગોળાઈ રહ્યો છે. ત્યારે જેના શિરે પોતાના મતવિસ્તારના વિકાસની જવાબદારી છે તેવા આ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં મંત્રી રહી ચૂકેલા બચુભાઈ ખાબડ પોતાના વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદેસર રેતી ખનનની ગેરકાયદે પ્રવૃત્તિ કરી ગબ્બર બની ગયેલા ખનન માફિયાઓ પર નકેલ કસી, આ ગેરકાયદે પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરી, પોતાના વિસ્તારને સાચા અર્થમાં ચમન બનાવવા ક્યારે કમર કસસે તે હવે જોવું રહ્યું!!