- હકદાર અને ગરીબ શ્રમિકોને મહેનાણી ગ્રાન્ટથી વંચિત.
- ખાનગી બાંધકામ કોન્ટ્રાકટરોને આર્થિક લાભ અપાયોની બૂમ.
- જવાબદાર અધિકારીઓએ જવાબ દેવાથી હાથ ખંખેર્યા.
- નરેગાની કરોડોની ગ્રાન્ટ તાત્કાલિક આપી દીધી, હવે કર્મચારીઓ કહે, સમજાતું નથી.
ફતેપુરા, ફતેપુરા તાલુકાના મનરેગાના બીજા અધ્યાયમાં ચોંકાવનારો ઘટનાક્રમ ઉભરી આવ્યો છે. અગાઉ વહીવટી મંજૂરીમાં તોડકાંડની તપાસ સામે હજુ કાર્યવાહીનો નિર્ણય થયો નથી વધુ એક નવો મામલો સામે આવ્યો છે. ચારેક દિવસ અગાઉ કરોડોની ગ્રાન્ટ મામલે જે થયું તેને લઈ શોરબકોર મચી ગયો છે. ફતેપુરા તાલુકા પંચાયતને મનરેગા હેઠળ કરોડોની ગ્રાન્ટ મળી અને આ ગ્રાન્ટ ગણતરીના કલાકોમાં મટીરીયલ એજન્સીને ફાળવાઇ ગઈ. હવે આ મામલે એપીઓ કહે, ખેંચાઈ ગઈ પરંતુ મને પણ પૂરતી સમજ નથી. ટીડીઓ કહે છે કે, મને પણ ચિંતા છે કંઈ ખબર પડતી નથી. આ તરફ મામલો ચર્ચાસ્પદ બની જતાં સ્થાનિક આગેવાનોએ રજૂઆત કરી તપાસની માંગ કરી છે. શું છે કરોડોની ગ્રાન્ટનો મામલો અને શું આ ગ્રાન્ટ મેળવવાના તાર રાજકીય સાથે સંકળાયેલા છે ?
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં ગત શુક્રવારે કરોડોની એટલે કે કરોડોમાં પણ આંકડો મોટો હોઈ શકે તેટલી રકમની પ્રક્રિયા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. વાત એમ છે કે, ફતેપુરા તાલુકા પંચાયતને મનરેગા હેઠળ મટીરીયલ ખર્ચની કરોડોની ગ્રાન્ટ મળી અને પછી તાલુકા પંચાયતથી પળવારમાં કરોડોની ગ્રાન્ટ કોન્ટ્રાક્ટ એજન્સીને ફળવાઇ ગઈ. વાત આટલી નથી. મટીરીયલની ગ્રાન્ટ એટલી સુપર ફાસ્ટ ગતિએ 2 એજન્સીને ફળવાઇ ગઈ કે, વાત બહાર આવતાં કર્મચારીઓ પણ માથું ખંજવાળવાની હાલતમાં મૂકાયા છે. મટીરીયલ ખર્ચની ગ્રાન્ટ કેમ પૂર્વ ચકાસણી, પૂર્વ કાળજી વગર અને એકાઉન્ટન્ટ શાખાની શંકાસ્પદ ભૂમિકામાં કોન્ટ્રાક્ટરને અપાઇ ગઇ ? ગ્રાન્ટ ફાળવાઇ ગયા બાદ મનરેગા એપીઓ, ટીડીઓ અને લાગતાવળગતા કેમ ચિંતામાં મૂકાયા છે ?
સૂત્રોએ જણાવ્યું હતુ કે, જો ગ્રાન્ટ મટીરીયલ એજન્સીને આપવાની હતી તો ચિત્તા ગતિએ કેમ આપી દીધી ? શુક્રવારે ગ્રાન્ટ મળી અને મટીરીયલ એજન્સીને તાત્કાલિક ફાળવી દેવાનો હુકમ કોણે કર્યો ? દિવસભર મનરેગા એપીઓ ફોન ઉપર ગોળ ગોળ વાતો કરી પરંતુ વિગતો કેમ જાહેર ના કરી ? તાલુકામાં મનરેગાની કરોડોની ગ્રાન્ટ અને રાજકીય પીઠબળ ધરાવતી 2 મટીરીયલ એજન્સીનો મુદ્દો ચર્ચાસ્પદ કેમ બન્યો ?