ડાકોર બસ સ્ટેન્ડ આસપાસથી કચરો હટાવાયો

ડાકોર,ડાકોરમાં છેલ્લા ધણા દિવસોથી શહેરના બસ સ્ટેન્ડ બહારની કચરા પેટી ઉભરાયેલ જોવા મળી હતી. તથા આસપાસ પણ કચરો હોવાના કારણે યાત્રાધામમાં આવતા યાત્રાળુઓને પ્રવેશતા જ ગંદકીનો સામનો કરવો પડયો હતો. જેનો અહેવાલ પ્રસિદ્ધ થતાં તંત્ર દ્વારા કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.

યાત્રાધામ ડાકોરમાં રણછોડજીના મંદિરને કારણે મોટા પ્રમાણમાં ભકતોની અવર જવર રહેતી હોય છે. એવામાં બસ સ્ટેશનની બહાર ગંદકીનુ સામ્રાજય વ્યાપ્યુ હોવાના કારણે યાત્રાળુઓમાં ડાકોરની છબી ખરડાઈ હતી.નગરપાલિકા અને યાત્રાધામ વિકાસ બોર્ડની નિમેલી એજન્સીની આંખ ન ખુલતા આ અંગેના અહેવાલો પ્રસિદ્ધ થતાં તરત જ નગર પાલિકાના કર્મચારીની 5 માણસોની ટીમ સાથે 2 ટ્રેકટર ભરીને કચરો ભરાવ્યો હતો અને કચરાપેટીની આસપાસના વિસ્તારને સાફ કરવામાં આવ્યો હતો. ધણા સમયથી ભેગા થયેલ કચરાના કારણે ત્યાં સાફ સફાઈ ન થતાં લોકોને મોઢે રૂમાલ બાંધીને પસાર થવાનો વારો આવ્યો હતો. ત્યારે આ સમસ્યાનો નિકાલ થતાં લોકોમાં હાશકારો જોવા મળ્યો હતો.