દાહોદમાં ઋતુજન્ય રોગચાળા માટે તપાસ કરતા 547 લોકો બિમાર મળ્યા

દાહોદ, દાહોદ જિલ્લામાં હાલમાં બેવડી ઋતુનો માહોલ ચાલી રહ્યો છે. તેવા સમયે જિલ્લામાં ઋતુજન્ય રોગોના દર્દીઓ દિનપ્રતિદિન વધી રહ્યા હોવાથી આરોગ્ય તંત્ર મેલેરીયા નાબુદી માટે સક્રિય થયુ છે. દાહોદ શહેરમાં 54 લોકોની ટીમ બનાવીને આરોગ્ય કાર્યકરો દ્વારા સર્વે હાથ ધરાયો હતો. જેમાં મેલેરિયા, ડેન્ગ્યુ, અટકાવવા માટે જરૂરી પગલા લેવામાં આવ્યા હતા. સર્વેમાં દાહોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના આરોગ્ય કાર્યકરો પણ જોડાયા હતા. દાહોદ શહેરમાં સર્વે દરમિયાન 3640 ધરોની તપાસ કરાઈ હતી. ત્યારે તેમાંથી 328 લોકોને શરદી, 203 લોકોને ખાંસી સાથે તાવ જોવા મળ્યો હતો. 11 લોકો શંકાસ્પદ મેલેરિયા જેવા જયારે એક વ્યકિતને શંકાસ્પદ ડેન્ગ્યુનો લક્ષણ મળી આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા 20 લોકોના લોહીના નમુના લીધા હતા. દાહોદ જિલ્લામાં આ ચોમાસામાં અનિયમિત વરસાદ વરસી રહ્યો છે. તેને કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે. બીજી તરફ હાલમાં બેવડી ઋતુ અનુભવાઈ રહી છે જેના કારને વાયરલના દર્દીઓ નોંધાઈ રહ્યા હોવાનુ જાણવા મળ્યુ છે.