ગુજરાતમાં ફરી મેઘરાજા મચાવશે તોફાન: જુઓ ક્યારે કયાં કયાં પડશે ભારે વરસાદ.

  • રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી
  • આગામી 4 થી 5 દિવસ રાજ્યમાં છૂટા છવાયા વરસાદની સંભાવના
  • આજે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી 

ગુજરાત સહિત સમગ્ર દેશમાં વરસાદે માઝા મૂકી છે. ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં તો રીતસરનો મેઘકહેર તૂટી પડતા હજારો લોકોના જીવ જોખમમાં મુકાયા છે. રાજ્યના અમુક વિસ્તારોમાં પણ મેઘકહેર વર્તાયો છે. રાજ્યમાં બીજા રાઉન્ડના વરસાદ દરમિયાન તેનું જોર ઘટ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 104 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં હજુ 4થી 5 દિવસ છૂટા છવાયા વરસાદની સંભાવના છે. 

રાજકોટ, ભાવનગર સહિત આ વિસ્તારોમાં વરસાદની આગાહી
અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું કે, ગુજરાતમાં આગામી 4થી 5 દિવસ છૂટા છવાયા વરસાદની સંભાવના છે. આજે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સામાન્ય વરસાદની સંભાવના છે. તો અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.

16 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતામાં થશે વધારો
તેમણે જણાવ્યું છે કે, 16થી 19 જુલાઈ દરમિયાન ભારે વરસાદની આગાહી છે. વરસાદી ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી વરસાદ પડશે. 16 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે. અમદાવાદ અને ગાંધીનગરમાં 16 જુલાઈ બાદ સારો વરસાદ પડશે.  

અંબાલાલ પટેલે ત્રીજા રાઉન્ડની કરી છે આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આગામી 18 અને 19 જુલાઈએ બંગાળની ખાડીમાં વધુ ડીપ ડિપ્રેશન બનશે. બંગાળની ખાડીનું ડીપ ડિપ્રેશન ગુજરાતમાં વરસાદ લાવશે. ડીપ ડિપ્રેશનના કારણે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે. 20 જુલાઈથી 25 જુલાઈ સુધી અતિભારે વરસાદ આવવાની શક્યતા છે. જ્યારે 28 જુલાઈથી 8 ઓગસ્ટ સુધીમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને કચ્છ, બનાસકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ મધ્ય ગુજરાતના કેટલાક ભાગો વરસાદથી તરબોળ થશે. 

નર્મદા અને તાપી ડેમ છલકાઈ જશેઃ અંબાલાલ પટેલ 
વરસાદના ત્રીજા રાઉન્ડમાં દરિયાકાંઠાના ભાગોમાં અતિભારે વરસાદ થશે. અતિભારે વરસાદના કારણે નર્મદા અને તાપી ડેમ છલકાઈ જશે તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. સાથે જ તેઓએ વધુમાં જણાવ્યું છે કે, ડીપ ડિપ્રેશનના કારણે દેશના ઉત્તર પૂર્વિય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. વરસાદના કારણે ઉત્તર ભારતની નદીઓની જળ સપાટીમાં પણ વધારો થશે.