જેપુરા પંચાયતે બોગસ ઠરાવ કરીને ફાઉન્ડેશનને 13 હેકટર ગોચર જમીન આપી દીધી : ગોચર જમીન ખાનગી કંપનીના ફાઉન્ડેશનને આપતાં તલાટી સસ્પેન્ડ.

પ્રતીકાત્મ તસ્વીર

ગોચર જમીનની રખેવાળી કરવાની જવાબદારી સ્થાનીક ગ્રામ પંચાયતની હોય છે. પણ પંચમહાલના જેપુરા ગામમાં રખેવાળે જ ગોચર જમીનનો બારોબાર ખોટો ઠરાવ કરીને ખાનગી કંપનીના ફાઉન્ડેશનને પધરાવી દેતાં તેના પડઘા છેક ગાંધીનગર સુધી પડયા હતા.

વર્ષ 2013 માં હાલોલ તાલુકાના જેપુરા ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરીને 13 હેકટર ગોચર ખાનગી કંપનીના ફાઉન્ડેશનને સોપવાનો કારસો રચ્યો હતો. પરંતુ ઠરાવની અમલવારી ન કરતાં મામલો ઠંડો રહ્યો હતો. ત્યારે જેપુરા ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા આર્થિક લાભ ખાટવા ગ્રામ પંચાયતમાં 2022 માં ખોટો ઠરાવ કરીને પોલીકેપ કંપનીના સોશીયલ વેલફેર ફાઉન્ડેશનને 13 હેકટર ગોચર જમીન 20 વર્ષ માટે વિકાસ કરવા આપી દીધી હતી. ગોચર જમીનમાં બાંધકામ અને ખોદકામ થતું હોવાની રજુઆત જિ. પંચાયતમાં કરતા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.

ગોચર જમીન પરનુ થતું બાંધકામ વિસ્તરણ અધીકારીએ સ્થળ ઉપર જઇને બંધ કરવાનું કહેવા છતાં કામ ચાલુ રાખ્યું હતું. હાલોલ પ્રાંત અધિકારીએ પણ જાણ કરેલ હોવા છતા ગોચર જમીન પર કામ ચાલુ રાખ્યું હતું. જેપુરા ગ્રામ પંચાયતના તલાટી વી.આર. પલાસ, સરપંચ તથા સભ્યો દ્વારા સરકારના નિયમો વિરુદ્ધ ઠરાવ કરીને ગોચર જમીન પોલીકેપ સોસિયલ વેલફેર ફાઉન્ડેશનને 20 વર્ષ માટે આપી દીધી હતી. અને તલાટીએ તાલુકા વિકાસ અધીકારીને ઠરાવ પ્રતિષેધ કરવા મોકલ્યો ન હતો. જેથી ફાઉન્ડેશને ગોચર જમીનમાં અનઅધિકૃત બાંધકામ કરેલ છે.

જેથી ગ્રામ પંચાયત અને તલાટીએ કોઇ પણ જાતની જાણ તાલુકા પંચાયતે કરી ન હોવાની ગંભીર બેદરકારી દાખવતાં તલાટી વી.આર. પલાસને તાત્કાલીક અસરથી ફરજ મોકુફીનો હુકમ નાયબ ડીડીઓ એચ.ટી. મકવાણાએ કર્યો હતો. જેપુરા ગ્રામ પંચાયત માં ગૌચર જમીન સામાજિક વનીકરણ માટે પોલી કેપ સોશ્યલ વેલફર ફાઉન્ડેશન ને 20 વર્ષ નો ઠરાવ દરમ્યાન તલાટી દ્વારા અસંમતિ દર્શાવીને તાલુકા પંચાયત ને જાણ કરી ન હતી , ગૌચર જમીન ની જાળવણીને દેખરેખ રાખવાની જવાબદારી ગ્રામ પંચાયત સહિત તલાટી ની હોય છે તેમજ ફાઉન્ડેશન દ્વારા ગૌચર જમીન પર તાર નું ફેંસિંગ ,દીવાલ થતાં તળાવ ની કામગીરી કરવામાં આવી છતાં તલાટી પલાસ દ્વારા કોઈ પણ જાત ની જાણ હાલોલ તાલુકા પંચાયતને નહિ કરી ને બેદરકારી અને નિષ્કાળજી પુરવાર થતાં તલાટી પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ફાઉન્ડેશનને નોટિસ ફટકારી
વર્ષ 2022 માં જેપુરા ગ્રામપંચાયતની 13 હેકટર ગાૈચર જમીનનો નિયમ વિરુદ્ધનો ઠરાવ કરીને પોલીકેપ સોસિયલ વેલફેર ફાઉન્ડેશન આપતાં તેઓ દ્વારા અનઅધીકૃત બાંધકામ કર્યું હતું. તલાટીને સસ્પેન્ડ કર્યા બાદ કંપનીના ફાઉન્ડેશન પર પોલીસ કાર્યવાહી કેમ ના કરવામાં આવે તેવા ખુલાસા કરતી નોટીસ આપવામાં આવી છે. – એચ.ટી. મકવાણા, ના.ડીડીઓ

સરપંચ અને ઉપસરપંચને પદ પરથી હટાવવામાં આવ્યા હતા
વર્ષ 2013 માં જેપુરા ગ્રામ પંચાયતે ગોચર જમીન કંપનીના ફાઉન્ડેશન આપવાનો ઠરાવ કર્યો હતો. ત્યાર બાદ જેપુરા ગ્રામપંચાયતના સરપંચ શારદાબેન નાયક, ઉપ સંરપચ વજેસિંહ રાઠોડ તથા સભ્યો સાથે તલાટી કમ મંત્રીએ ફાઉન્ડેશનને 13 હેકટર ગોચર જમીન સરકારના નિમય વિરુદ્ધનો ઠરાવ કરીને 20 વર્ષ માટે વિકાસ કરવા આપી દીધી હતી. જેની જાણ જિલ્લા પંચાયતને થતાં ચાર માસ અગાઉ જેપુરા ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપ સરપંચને પદ પરથી હટાવી દઇને ગ્રામપંચાયત વિસર્જન કરવાનો અહેવાલ મોકલી આપ્યો હતો.