રાજકોટ વધુ એક લવ જેહાદનો બનાવ બન્યો,મહેબૂબ બુખારીએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી ગાયબ કરી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો

રાજકોટ, રાજકોટમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરમાં ક્રિકેટ કોચિંગ ક્લાસ ચલાવતા મહેબૂબ બુખારી નામના યુવકે હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી છે, એટલું જ નહીં મહેબૂબે યુવતીનું નામ પણ બદલી નાખ્યું છે અને તેને ગાયબ કરી નાખી હોવાનો યુવતીના પરિવારે આક્ષેપ લગાવ્યો છે. સાથે જ યુવતીના પરિવારે પોલીસ પણ ગંભીર આક્ષેપો લગાવ્યા છે. હાલ સમગ્ર મામલો પોલીસ કમિશનર પાસે પહોંચતા પોલીસે લવ જેહાદના એન્ગલથી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ તળાજા પંથકનો પરિવાર છેલ્લા કેટલાક વર્ષથી રાજકોટ રહે છે. આ પરિવારની દિકરી શહેરની કુંડલીયા કોલેજમાં અભ્યાસ કરે છે. કુંડલીયા કોલેજમાં અભ્યાસ કરતી દીકરી ૨૬ જૂનથી ગાયબ થઈ જતા યુવતીનો પરિવાર યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો. યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે યુવતીના પરિવારે ક્રિકેટ કોચિંગ ક્લાસ ચલાવતા મહેબૂબ બુખારી નામના યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. જોકે, પોલીસ દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કરવા ન આવતા પરિવારે કુંડલિયા કોલેજના સંચાલકોનો સંપર્ક કર્યો હતો અને પોતોની દર્દભરી કહાની વર્ણવી હતી.

માતા-પિતાએ જણાવ્યું હતું કે, અત્યારે અમારી દીકરી રિયા (નામ બદલ્યું છે) કુંડલીયા કોલેજમાં અભ્યાસ કરે છે. રિયાને નાનપણથી જ ક્રિકેટનો શોખ હોવાથી અમે શહેરમાં ક્રિકેટનું કોચિંગ આપતા મહેબૂબ બુખારીનો સંપર્ક કર્યો હતો. રિયા જ્યારે ૧૭ વર્ષની હતી, ત્યારે અમે તેને ક્રિકેટ કોચિંગમાં મોકલી હતી. આ અમારી સૌથી મોટી ભૂલ હતી. ક્રિકેટ કોચિંગમાં રિયાને ક્રિકેટ શીખવવાને બદલે મહેબૂબ બુખારીએ તેને ફોસલાવીને પ્રેમ જાળમાં ફસાવી. જે બાદ મહેબૂબે તેનું બ્રેઇનવોશ કરી નાખ્યું.

રિયાના પિતાએ જણાવ્યું હતું કે, આજે રિયા ૨૧ વર્ષની થઈ ગઈ છે. તે ઘરે હોય ત્યારે મસ્જિદ જાય છે અને નમાજ પણ પઢે છે. અમે તેને અનેકવાર સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે કોઈવાત સમજવા જ તૈયાર નથી. હું જ્યારે મહેબૂબ પાસે વાત કરવા ગયો ત્યારે તેણે મને હાથ પગ ભાંગી નાખવાની અને મારી નાખવાની ધમકી આપી હતી અને કહ્યું હતું કે, ‘તારી છોકરી ૧૭ વર્ષની હતી ત્યારથી તેના પર બળાત્કાર ગુજારું છું, તારાથી થાય તે કરી લેજે’.

તેમણે જણાવ્યું કે, રિયા વારંવાર એવું કહે છે કે મારી જિંદગી તો હવે બરબાર થઈ ગઈ છે. હું બીજા સાથે લગ્ન કરીશ તો મહેબૂબ મને પતાવી દેશે અને જો હું મહેબૂબ સાથે રહીશ તો એ મારી જિંદગીને નર્ક બનાવી નાખશે. મારી ક્રિકેટર બનવાની કારકિર્દી પણ રોળાઇ ગઇ છે.

રિયાની માતાએ જણાવ્યું કે, મહેબૂબની ઉશ્કેરણી અને ધમકીને કારણે રિયાએ ઘરમાંથી દોઢ લાખ રૂપિયાના સોનાના ઘરેણાંની ચોરી કરીને મહેબૂબને આપી દીધા હતા અને રોકડ પણ ચોરી કરીને મહેબૂબને આપતી હતી. રિયા ૨૬ જૂનથી ગાયબ થઈ ગઈ છે. અમે આ મામલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે, છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

યુવતીના પિતાની રજૂઆત સાંભળ્યા બાદ કોલેજના સંચાલકોએ સમગ્ર મામલે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને જાણ કરી હતી. જે બાદ હાલ પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા મહેબૂબને ઉઠાવી લેવામાં આવ્યો છે અને તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તો રિયાની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે.