રાજકોટમાં સીબીઆઈ દ્વારા સીલ કરેલા મકાનમાં જ ચોરી થઇ

રાજકોટ, શહેરમાં આવેલી ઈપીએફ ઓફિસમાં રિજનલ કમિશનર તરીકે નોકરી કરનારા નિરજસિંહના નાણાવટી ચોક પાસે આવેલા ઓસ્કાર રેસીડેન્સીવાળા મકાનમાં ૧૯ મે ૨૦૨૩થી ૧ જુલાઈ ૨૦૨૩ દરમિયાન ચોરીની ઘટના ઘટી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. સમગ્ર મામલે લાંચ કેસમાં સંડોવાયેલા ઈપીએફ ઓફિસના રિજનલ કમિશનર નીરજસિંગની પત્ની નેહાસિંગ (ઉવ.૩૬)દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ આઇપીસી ૪૫૪, ૪૫૭, ૩૮૦ અંતર્ગત ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પોલીસને આપેલી ફરિયાદમાં નિરજસિંહના પત્ની નેહાસીંગે જણાવ્યું છે કે, તેઓ વિમલભાઈ ઠક્કરના મકાનમાં સપ્ટેમ્બર ૨૦૨૨થી માસિક ૨૦,૫૦૦ નું ભાડું ચૂકવીને રહે છે. ગત ૧૯ મે ૨૦૨૩ ના રોજ પતિ નીરજસિંહ અમરસિંહ વિરુદ્ધ સીબીઆઇએ ટ્રેપ કરી કરપ્શનના કેસમાં તેમની ધરપકડ કરી હતી. ત્યારે અમે જે ભાડાના મકાનમાં રહેતા હતા તે સીબીઆઇ દ્વારા સીલ મારવામાં આવ્યું હતું. તેમજ હું તેમજ મારા બંને બાળકો બીજે રહેવા જતા રહ્યા હતા.દરમિયાન ગત બીજી જુલાઈ ૨૦૨૩ ના રોજ ઓફિસમાં ઇન્સ્પેક્ટર હિમાંશુ શાહનો ફોન આવતા તેઓએ મકાનમાં ચોરી થયા હોવાનું જણાવ્યું હતું. બનાવની જાણ થતા ૩ જુલાઈના રોજ અમે રાજકોટ આવ્યા હતા અને સીબીઆઇ ના સ્ટાફના માણસો સાથે અમે મકાન પર પહોંચ્યા હતા. મકાનમાં તપાસ કરતા ૫૫ ઇંચનું કલર ટીવી તેમજ એપલ કંપનીનું આઇપેડ અને કેનન કંપનીનો કેમેરાની ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું. કુલ ૫૦,૦૦૦ રૂપિયાની ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ત્યારે હાલ યુનિવર્સિટી પોલીસ મથક ખાતે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. તેમજ પોલીસ દ્વારા આજુબાજુના વિસ્તારમાં પણ સીસીટીવી ફૂટેજ ચેક કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કોઈ શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ જણાય છે કે કેમ તે બાબતે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.