કાંકરેજમાં વરસાદી પાણીમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓના મોત

ફતેપુરા, કાંકરેજની ફતેપુરા પ્રાથમિક શાળાના બાળકોનું પાણીમાં ડૂબવાથી મોત થયું છે. જેમાં ધોરણ ૩માં અભ્યાસ કરતાં ઠાકોર શૈલેષ રમેશજી અને ધોરણ ૫ માં અભ્યાસ કરતાં ઠાકોર કિશન રમેશજી આ બન્ને સગાભાઈઓ તેમજ ધોરણ ૫માં અભ્યાસ કરતાં પરમાર શૈલેષ શિવરામભાઈનું મૃત્યુ થયું છે.

આ ત્રણેય બાળકો શાળા છૂટ્યા બાદ પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં તળાવમાં કુદરતી હાજતે ગયા હતા. ત્યારે એક બાળકનો પગ લપસતા બીજા બે બાળકો બચાવવા ગયા હતા અને ડૂબ્યાં હતા.ત્યાર બાદ ગામલોકો અને વાલીઓ દ્વારા બાળકોને કાઢીને ૧૦૮દ્વારા દીઓદર રેફરલ હોસ્પીટલ લાવતા ત્રણેય વિદ્યાર્થીઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ દુ:ખદ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી હતી.

મૃત્યુ પામેલા ત્રણેય વિદ્યાર્થીઓ તેરવાડા ગામના વતની છે. આ બાળકો ફતેપુરાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હતા. સ્થાનીક તરવૈયાઓએ ત્રણેય બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા.ત્રણેય બાળકોના મૃતદેહ દિયોદરની રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે. જ્યારે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ ઘટના બાદ પરિવારમાં પણ ભારે દુ:ખ જોવા મળી રહ્યું છે. ગામમાં પણ માતમ છવાયેલો જોવા મળી રહ્યો છે. ત્યારે ગામના કેટલાંક લોકોનું કહેવું છે કે, બાળકો તળાવમાં હાથ પગ ધોવા માટે રોકાયા હતા અને એ સમયે ડૂબી ગયા હતા.