
ભોપાલ, આજે મધ્યપ્રદેશ વિધાનસભાનું ચોમાસુ સત્ર શરુ થયું છે અને રાજયમાં વર્ષના અંતે ધારાસભા ચૂંટણીઓ યોજાવાની છે તે સમયે કોંગ્રેસના મહિલા ધારાસભ્ય કલ્પના વર્મા ટમેટા અને મરચાની માળા પહેરીને વિધાનસભામાં પહોંચતા જબરો હંગામો મચી ગયો હતો. દેશભરમાં ટમેટાના ભાવ સતત વધી રહ્યા છે અને તેની સાથે હવે અન્ય શાકભાજીના ભાવ પણ જોડાઈ રહ્યા છે તે સમયે કોંગ્રેસ પક્ષે રાજયમાં ચુંટણીનું વાતાવરણ જોતા આ મુદો ઉછાળવાની તૈયારી કરી છે.
મહિલા ધારાસભ્ય ટમેટા અને મરચાની માળા પહેરીને આવતા હંગામો મચી ગયો હતો તો ભાજપના સભ્યોએ વળતો આક્ષેપ કરતા કહ્યું કે ફક્ત મધ્યપ્રદેશ નહી પાડોશી રાજસ્થાન કે જયાં કોંગ્રેસની સરકાર છે ત્યાં ટમેટાના શું ભાવ છે તે પણ જાણી લેવું જોઈએ. તેઓએ આ ભાવવધારાને સીઝનલ ગણાવ્યા હતા.