માઉન્ટ એવરેસ્ટમાં નેપાળનું હેલિકોપ્ટર ક્રેશ, સવાર તમામ ૬ લોકોના મોત

કાઠમાંડૂ, નેપાળનું એક હેલિકોપ્ટર માઉન્ટ એવરેસ્ટ નજીક ક્રેશ થઈ ગયું. ત્યારબાદ હેલિકોપ્ટરમાં સવાર તમામ ૬ લોકોના મોત થયા. વિમાન અધિકારીઓએ કહ્યું કે આ પ્રાઈવેટ કૉમર્શિયલ હેલિકોપ્ટરમાં ૫ મેક્સિકન નાગરિકો સવાર હતા. નેપાળ પોલીસે આ ઘટનાની જાણકારી આપતા કહ્યું કે તપાસ કરી રહેલી ટીમને ગૂમ થયેલા હેલિકોપ્ટરનો કાટમાળ મળી ગયો છે. આ સાથે જ પાંચ મૃતદેહો પણ મળી આવ્યા છે. કોશી પ્રાંત પોલીસના ડીઆઇજી રાજેશનાથ બસ્તોલાએ કહ્યું કે હેલિકોપ્ટર લિખુ પીકે ગ્રામ પરિષદ અને દુધકુંડા નગર પાલીકા- ૨ની હદ પર મળી આવ્યું છે જેને સામાન્ય રીતે લામાજુરા ડાંડા કહેવામાં આવે છે.

પોલીસના જણાવ્યાં મુજબ એવું લાગે છે કે હેલિકોપ્ટર પહાડની ચોટી પર કોઈ ઝાડ સાથે ટકરાયું હશે. ડીઆઇજી રાજેશનાથ બસ્તોલાએ કહ્યું કે મળી આવેલા મૃતદેહોની હજુ સુધી ઓળખ થઈ નથી. મળતી માહિતી મુજબ ઉડાણ ભર્યાની થોડી મિનિટોમાં હેલિકોપ્ટરનો સંપર્ક તૂટી ગયો હતો. ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટના મેનેજર પ્રતાબ બાબુ તિવારીએ જણાવ્યું કે ૯એન-એએમવી હેલિકોપ્ટર સાથે તેના ઉડાણ ભર્યાના ૧૫ મિનિટ બાદ જ સંપર્ક તૂટી ગયો હતો.

અત્રે જણાવવાનું કે નેપાળમાં ૬ લોકોને લઈને જઈ રહેલું હેલિકોપ્ટર માઉન્ટ એવરેસ્ટની નજીક ગૂમ થઈ ગયું હતું કાઠમંડુ પોસ્ટમાં નેપાળના નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણના સૂચના અધિકારી જ્ઞાનેન્દ્ર ભુલના હવાલે જણાવાયું હતું કે મનાંગ એર હેલિકોપ્ટર ૯ એન એએમવી રાજધાની કાઠમંડુ માટે સવારે ૧૦.૦૪ વાગે સોલુખુમ્બુ જિલ્લના સુરકે એરપોર્ટથી કાઠમંડુ માટે રવાના થયું હતું. જ્ઞાનેન્દ્ર ભુલે કહ્યું કે સવારે ૧૦.૧૩ વાગે ૧૨૦૦૦ ફૂટથી વધુની ઊંચાઈએ અચાનક તેનો સંપર્ક તૂટી ગયો. આ હેલિકોપ્ટરને વરિષ્ઠ પાઈલટ કેપ્ટન ચેત બી ગુરુંગ ઉડાવી રહ્યા હતા.

સૂત્રના હવાલે જણાવાયું છે કે પ્રાથમિક ખબરો મુજબ હેલિકોપ્ટરમાં પાઈલટ ચેત ગુરુંગ સહિત કુલ ૬ લોકો સવાર હતા. વિમાનન અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રાઈવેટ કૉમર્શિયલ હેલિકોપ્ટરમાં ૫ મેક્સિકન નાગરિકો સવાર હતા જેમની ઓળખ હજુ ઉજાગર થઈ શકી નથી. ટીઆઈએના પ્રવક્તા ટેકનાથ સિતૌલાએ કહ્યું કે જેવું લમજુરા દર્રે પર હેલિકોપ્ટર પહોંચ્યું કે તેનાથી હેલોનો મેસેજ મળ્યો પરંતુ ટાવર સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નહીં. મનાંગ એર એક હેલિકોપ્ટર એરલાઈન છે. જેની સ્થાપના કાઠમંડુમાં ૧૯૯૭માં થઈ હતી. તે નેપાળના નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણના વિનિયમન હેઠળ નેપાળના ક્ષેત્રની અંદર કૉમર્શિયલ એર ટ્રાન્સપોર્ટમાં હેલિકોપ્ટરોનું સંચાલન કરે છે. આ હેલિકોપ્ટર કંપની ચાર્ટર્ડ સેવાઓ આપે છે અને વ્યક્તિગત સેવાઓ જેમ કે એડવેન્ચર ફ્લાઈટ્સ હેલિકોપ્ટર ટુર પર કેન્દ્રીત છે.