આજથી પ્રથમ ટેસ્ટ: ભારત-વેસ્ટ ઇન્ડીઝને તેની જ ધરતી પર સતત ૯મી ટેસ્ટ શ્રેણીમાં હરાવવા કટીબધ્ધ 

મુંબઇ, ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે બે ટેસ્ટ મેચોની શ્રૈણી પૈકીની પ્રથમ ટેસ્ટ શરૂ થવા જઇ રહી છે. ભારત માટે આ શ્રેણી જીતવી આવશ્યક છે. રોહિત શર્માનાં નેતૃત્વમાં સાથી ખેલાડીઓમાં ખાસ કરીને સૌનું વિશેષ ધ્યાન શુભમન ગીલ અને યશસ્વી જયસ્વાલ પર જ રહેશે. આમેય વેસ્ટ ઇન્ડીઝની ટીમ અત્યારે ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યું છે. વિશ્ર્વ કપ માટે પણ આ ટીમ કવોલિફાઇ થયું નથી. ૪૮ વર્ષમાં પ્રથમ વખત વિન્ડીઝ આઉટ થયું છે.

એક સુકાની તરીકે વિરાટ કોહલીએ ૮ ટેસ્ટમાંથી ૬માં વિજય મેળવ્યો છે, જયારે ધોનીએ પણ ૮ ટેસ્ટમાં ટીમનું નેતૃત્વ કરીને પ ટેસ્ટ જીતી છે જયારે વિન્ડીઝ તરફથી કલાઇવ લોઇડે ૨૦ ટેસ્ટમાંથી ૧૦માં વિજય પ્રાપ્ત કર્યો છે. ૩ ટેસ્ટ ગુમાવીને ૭ ટેસ્ટ ડ્રો કરી છે.

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ ડોમિનિકામાં પ્રથમ ટેસ્ટની સાથે જ આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપના અભિયાનની શરૂઆત કરશે વેસ્ટ ઇન્ડીઝ ટીમે સૌથી વજનદાર ખેલાડી સ્પીનર રહકીમ કોનેવલેનો સમાવેશ કર્યો છે. વિન્ડીઝ ટીમની આગેવાની ક્રેગ બ્રેથવેટ કરશે. આ ઉપરાત ડાબોડી બેટધર કિર્ક મેકેન્ઝી અને ઓલિક અથાનાઝને પણ ટીમમાં સામેલ કરવામાં આવશે. આ બંને ખેલાડીઓ ટેસ્ટ ડેબ્યુ માટે આશાવાદી છે આ બંને ખેલાડીઓ ટીમ માટે લાંબી રેસના ઘોડા સાબિત થશે. ૧૪૦ કિલો વજન ધરાવતા કોર્નવોલ ૯ ટેસ્ટમાં ૩૪ વિકેટો ઝડપી છે. ભારતીય ક્રિકેટ ટીમ હવે નવી સિઝનમાં શરૂઆતે વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણેય ફોર્મેટની શ્રેણીઓ તેના ઘર આંગણે રમવાની છે. ત્યારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલને ભૂલી જઇને વિન્ડીઝને હરાવવા પ્રયત્ન કરવો જરૂર થઇ જશે. વિન્ડીઝ બાદ એશીયા કપ અને વન-ડે વિશ્ર્વકપ જેવી મોટી ટુર્નામેન્ટો રમાશે ત્યારે પૂરા આત્મવિશ્ર્વાસ સાથે ભારતે શ્રેણીઓમાં વિજયો મેળવવાનો અભિગમ રાખવો પડશે.

આમેય વિન્ડીઝ સામેની ૮ છેલ્લી ટેસ્ટ શ્રેણીઓમાં ભારતે શાનદાર દેખાવ કરીને શ્રેણીઓ જીતી છે. ૨૦૦૨-૦૩થી ૨૦૧૯ સુધીની શ્રેણીનો સમાવેશ થાય છે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારત ટેસ્ટ શ્રેણી રમશે જયારે વન-ડે શ્રેણી હાર્દિક પંડયા સુકાની તરીકે રમશે. આ વખતે યુવા ખેલાડીઓમાં યશસ્વી અને ૠતુરાજને સ્થાન અપાયું છે. હવે જયારે ૨૦૨૫ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ચક્રની શરૂઆત વિન્ડીઝ પ્રવાસથી થવા જઇ રહી છે. યશસ્વી જયસ્વાલે ૨૦૨૨-૨૩ રણજી ટ્રોફીમાં સારો દેખાવ કર્યો હતો. તેના ૩૧૫ રનમાં એક સદી અને એક અર્ધ સદીનો સમાવેશ થાય છે. તેણે મધ્યપ્રદેશ વિરૂધ શેષ ભારત માટે ઇરાની ટ્રોફીમાં ૨૧૩ અને ૧૪૪ રનથી જબરદસ્ત ઇનિંગ્ઝ રમી હતી. મેચમાં તેણે કુલ ૩૫૭ રન ઇરાની ટ્રોફી મેચમાં એક બેટધર માટે સૌથી વધુ છે. પ્રથમ કક્ષાની ક્રિકેટમાં યશસ્વીએ ૧૫ મેચોમાં ૧૮૪૫ રન ૨૬૫નાં સર્વોતમ જુમલા સાથે બનાવ્યા છે.

જેમાં ૯ સદીનો સમાવેશ થાય છે. યશસ્વી અને ૠતુરાજને ટેસ્ટ ટીમમાં સ્થાન આપી ચેતેશ્ર્વર પુજારા અને ઉમેશ યાદવને બાદ કરાયા છે. જોકે ચેતેશ્ર્વર ફરી ટેસ્ટ ટીમમાં ચોકક્સ આવી શકે તેવી શકયતા જણાય છે, કારણ અજીંકયા રહાણે પણ અગાઉ એકાદ વર્ષ ટેસ્ટ ટીમમાંથી બાકાત રહ્યો હતો પરંતુ આઇપીએલ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં તેના દેખાવને ધ્યાને ટીમમાં સમાવેશ કરાયો છે.

અલબત ચેતેશ્ર્વર માટે વિશેષજ્ઞો તેની આંતરરાષ્ટ્રીય કારકીર્દી લગભગ ખત્મ મનાઇ રહી છે. ઝડપી ગોલંદાજને નવદીપ સેનીંનો બંને ટીમોમાં સમાવેશ થયો છે. ઝડપી ગોલંદાજ મુકેશકુમારે પણ ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવ્યું છે. વન-ડેમાં સંજુ સેમસની વાપસી થઇ છે જસપ્રિત બુમરાહ, કે એલ. રાહુલ અને શ્રેયસ ઐય્યર જયારે પણ ફીટ થઇ જશે. તો તેમની પસંદગી પણ નિશ્ર્ચિત મનાય છે.ખાસ કરીને ૠતુરાજ અને યશસ્વીને પસંદ કરીને એવા સંકેત મળે છે કે ચયન સમિતિ હવે પછીની વિશ્ર્વ ટેસ્ટ ચેમ્પિયનશીપને ધ્યાનમાં રાખી રહી છે. વેસ્ટ ઇન્ડીઝે છેલ્લી વખત ભારત સાથે ૨૦૦૨માં ટેસ્ટ જીતી હતી. ૨૧ વર્ષ પહેલા વિન્ડીઝે ભારતને હરાવ્યું હતું એટલું જ નહીં પરંતુ પાંચ ટેસ્ટ મેચની શ્રેણી પણ વિન્ડીઝે ૨-૧થી જીતી હતી. એ શ્રેણી વિન્ડીઝની ધરતી પર રમાઇ હતી. ત્યારબાદ વિન્ડીઝે કોઇ ટેસ્ટ મેચ કે પછી ટેસ્ટ શ્રેણી ભારત સામે જીતી નથી. ત્યારબાદ સતત ટીમ ઇન્ડીયા વિન્ડીઝને ટેસ્ટમાં હરાવતી આવી છે.૨૦૦૨ પછી આજ સુધી ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે કુલ આઠ ટેસ્ટ શ્રેણી રમાઇ ચુકી છે, અને તે બધી શ્રેણીઓ ભારતે જીતી છે, આવી પરિસ્થિતિ વચ્ચે આ શ્રેણીમાં પણ ભારત વિજય માટે કટીબધ છે. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની ક્રિકેટ કેટલાંય વર્ષો જુની રહી છે. બંને ટીમો ઘણા સમયથી એકબીજા સાથે રમી રહી છે. એટલું જ નહીં, ભારતે પ્રથમ વન-ડે વિશ્ર્વકપ પણ વેસ્ટ ઇન્ડીઝને હરાવીને જીત્યો હતો. જોકે છેલ્લા બે દશકાથી વિન્ડીઝ ટીમ ભારતને ટેસ્ટમાં હરાવી શકી નથી.

ભારત આ શ્રેણીમાં વિન્ડીઝ સામે બે ટેસ્ટ, ૩ વન-ડે અને પાંચ ટી-૨૦ની શ્રેણી રમશે. છેલ્લા કેટલાય વર્ષોથી ભારતીય ટીમનો વિન્ડીઝ ટીમ પર દબદબો રહ્યો છે. મેચ ચાહે ભારતની ધરતી પર હોય કે વિન્ડીઝની ધરતી પર બે સદીઓ પહેલા વિન્ડીઝે ભારત સામે ટેસ્ટ જીતી હતી.