નવીદિલ્હી, ચારધામ યાત્રામાં પશુઓનાં મોત અને ગેરવહીવટને હાઇકોર્ટે ગંભીર લાપરવાહી ગણાવી છે. કોર્ટે ચમોલી, ઉત્તર કાશીના DMની સાથે, ટુરિઝમ બોર્ડ અને પશુકલ્યાણ બોર્ડને પક્ષકાર બનાવતાં નોટિસ જારી કરીને જવાબ આપવા નિર્દેશ આપ્યા છે. મુખ્ય જસ્ટિસ વિપિન સાંધી અને જસ્ટિસ રાકેશ થપલિયાલની ખંડપીઠે આગામી સુનાવણી માટે પાંચ સપ્ટેમ્બર નક્કી કરી છે.
દિલ્હી નિવાસી અજય ગૌતમે હાઇકોર્ટમાં જનહિત અરજી દાખલ કરીને કહ્યું હતું કે ચારધામ યાત્રા માર્ગમાં ચોતરફ અવ્યવસ્થા ફેલાયેલી છે. પ્રતિ દિન ૨૫,૦૦૦થી વધુ શ્રદ્ધાળુઓ અહીં પહોંચી રહ્યા છે, પણ તેમના માટે ખાણીપીણી અને રહેવાની સુવિધા નથી. ચારધામ યાત્રામાં ઘોડા-ખચ્ચરોની સાથે અમાનવીય વ્યવહાર થઈ રહ્યો છે. એમની પાસેથી કામ લેવા માટે એમને નશો પણ કરાવવામાં આવે છે. અત્યાર સુધી ૪૦૦થી વધુ ઘોડા-ખચ્ચરોનાં મોત થઈ ચૂક્યાં છે. વહીવટી તંત્ર ખામોશ છે. અરર્જીક્તાના જણાવ્યાનુસાર નશાનું ચલણ વધી રહ્યું છે. હવે આ મુદ્દો ઉઠાવવામાં આવતાં સ્થાનિક વેપારીઓ શ્રદ્ધાળુઓની સાથે મારપીટ કરી રહ્યા છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે પશુઓના મૃતદેહોને નદીઓમાં ફેંકી દેવામાં આવે છે, જેનાથી નદી અને પર્યાવરણ પણ પ્રદૂષિત થઈ રહ્યાં છે.
સોશિયલ મિડિયા પર અહીંની ગેરવ્યવસ્થા બતાવવામાં આવી રહી છે, પણ સરકાર કે વહીવટી તંત્ર કોઈ કાર્યવાહી નથી કરી રહ્યાં. અરજીમાં કોર્ટને પ્રાર્થના કરવામાં આવી છે કે ચારધામ યાત્રા બધી વ્યવસ્થા પુન: સ્થાપિત કરવામાં આવે અને પશુઓ પરના દમનને અટકાવવામાં આવે અને નશાના વેપારને અટકાવવા માટે આકરાં પગલાં લેવામાં આવે.