
-૧૪ ગામોના પ્રશ્નોને લઈને અધિકારીઓ સમક્ષ ખેડૂતોનો આક્રોશ, પ્રાંત અધિકારીએ ઝડપી કામગીરીના આપ્યા નિર્દેશ.
દિલ્હીથી વડોદરા સુધીના પ્રસ્તાવિત નેશનલ હાઈવે નં. ૧૪૮ના એલાઈમેન્ટમાં આવતા ઝાલોદ તાલુકાના ૧૪ ગામોના અસરગ્રસ્ત ખેડૂતોની વિવિધ માંગણીઓ અને હાઈવેની કામગીરીને લઈને ઝાલોદ પ્રાંત અધિકારી એ.કે. ભાટીયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં હાઈવેની કામગીરી સાથે સંકળાયેલા વિવિધ વિભાગોના સરકારી અધિકારીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન સંબંધિત વિભાગો દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી કામગીરી અંગે લેખિત પ્રગતિ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જોકે, અસરગ્રસ્ત ખેડૂતો અને તેમના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે જમીન સંપાદન અને હાઈવેની કામગીરીને લગતા અનેક પ્રશ્નો આજે પણ યથાવત છે અને મોટાભાગના કામો પૂર્ણ થયા નથી.
બેઠકમાં વીજ કનેક્શનની વ્યવસ્થા, વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટેની કામગીરી, તૂટી ગયેલા રસ્તાઓનું પુન:નિર્માણ, ગરનાળા અને ઓવરબ્રિજનું નિર્માણ, સ્મશાનઘાટ સુધીના માર્ગની સુવિધા, સર્વિસ રોડ, અસરગ્રસ્ત વૃક્ષો, મકાનો, બોરવેલ, હેન્ડપંપ અને કૂવાઓના પુન:સ્થાપન, સનદથી આપવામાં આવેલી જંગલ જમીનમાં ખેડૂતોના નામ દાખલ કરવાની કાર્યવાહી, ‘નલ સે જળ’ યોજના અંતર્ગત પાઇપલાઇન, સંપ, પાણીના ટાંકા તથા અન્ય પાણીની સુવિધાઓનું પુન:નિર્માણ તેમજ હાઈવેની કામગીરીના કારણે વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યા સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ખેડૂત આગેવાનોએ રજૂઆત કરી હતી કે, અનેક વખત રજૂઆતો કરવા છતાં મોટાભાગના કામો પૂર્ણ થયા નથી તેમજ ઘણા ખેડૂતોને આજદિન સુધી યોગ્ય વળતર પણ મળ્યું નથી. જેના કારણે અસરગ્રસ્ત ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
પ્રાંત અધિકારી એ.કે. ભાટીયાનું નિવેદન…
પ્રાંત અધિકારી એ.કે. ભાટીયાએ બેઠકમાં જણાવ્યું હતું કે, “કોરિડોરના નામે કોઈપણ ખેડૂતની વધારાની જમીન લેવામાં આવશે નહીં. અસરગ્રસ્ત ખેડૂતોના પ્રશ્નો અંગે સરકાર ગંભીર છે. જે વિભાગોને જે કામગીરી સોંપવામાં આવી છે તે સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે તમામ અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. ખેડૂતોના પ્રશ્નોના યોગ્ય અને કાયદેસર ઉકેલ માટે પ્રશાસન પ્રતિબદ્ધ છે.”તેમણે તમામ વિભાગોના અધિકારીઓને બાકી રહેલા કામો ઝડપથી પૂર્ણ કરવા તથા ખેડૂતોને પડતી મુશ્કેલીઓનું પ્રાથમિકતાના ધોરણે નિરાકરણ લાવવા તાકીદ કરી હતી.
ખેડૂત આગેવાન મૂકેશ ડાંગીનું નિવેદન…
ખેડૂત આગેવાન મૂકેશ ડાંગીએ જણાવ્યું હતું કે, “અસરગ્રસ્ત ખેડૂતો વર્ષોથી ન્યાયની રાહ જોઈ રહ્યા છે. અનેક રજૂઆતો છતાં જમીનનું વળતર, સર્વિસ રોડ, ગરનાળા, પાણીના નિકાલ, વીજ કનેક્શન, બોર, કૂવા સહિતના અનેક પ્રશ્નો હજુ પણ અધૂરા છે. માત્ર પ્રગતિ અહેવાલ રજૂ કરવાથી ખેડૂતોની સમસ્યાઓનો ઉકેલ આવતો નથી. સરકાર અને સંબંધિત વિભાગો સમયબદ્ધ આયોજન સાથે દરેક કામ પૂર્ણ કરે અને ખેડૂતોને યોગ્ય વળતર તથા સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવે તેવી અમારી માંગ છે.”
બેઠકમાં ઉપસ્થિત તમામ વિભાગોના અધિકારીઓએ રજૂ થયેલા પ્રશ્નોની નોંધ લઈ જરી કામગીરી ઝડપી ગતિએ પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. અસરગ્રસ્ત ખેડૂતો હવે આગામી સમયમાં પ્રશાસન દ્વારા કરવામાં આવનારી વાસ્તવિક કામગીરી પર નજર રાખી રહ્યા છે.