સગીરા પર બળાત્કાર બાદ ગર્ભપાત કરાવવાની ફરજ પાડી; ૧૪ જણ સામે પોલીસ કેસ

મુંબઇ, મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં ૧૪-વર્ષની એક છોકરી પર એક શખ્સે બળાત્કાર ગૂજાર્યો હતો અને ત્યારબાદ ગર્ભપાત કરાવવાની એને ફરજ પાડવામાં આવી હતી. તે છોકરીએ ગયા શનિવારે નોંધાવેલી ફરિયાદના આધારે બીડ ગ્રામીણ પોલીસે ૧૪ વ્યક્તિ સામે કેસ નોંધ્યો છે. ફરિયાદી, જે બીડ જિલ્લાના એક ગામની શાળામાં ૯મા ધોરણમાં ભણે છે, તેનાં જણાવ્યા મુજબ, ૨૪-વર્ષીય શખ્સે તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો.

તે દર બે-ત્રણ દિવસે છોકરીને ફોસલાવતો હતો. આખરે એક રાતે તેને ખેતરમાં લઈ જઈને તેની પર બળાત્કાર કર્યો હતો. તે છોકરીને પેટમાં દુખાવો શરૂ થતાં એણે તેની માતાને જાણ કરી હતી. ત્યારબાદ સોનોગ્રાફી ટેસ્ટ કરાવી હતી જેમાં માલૂમ પડ્યું હતું કે છોકરીનાં પેટમાં સાત મહિનાનો ગર્ભ છે. ત્યારબાદ ગઈ ૨૪ જૂને તે શખ્સ છોકરી અને તેની માતાને ઔરંગાબાદ લઈ ગયો હતો. ત્યાં એણે છોકરીને ગર્ભપાત કરવા માટેની કોઈક ગોળી આપી હતી. પીડિત છોકરીએ મૃત બાળકીને જન્મ આપ્યો હતો. ગર્ભપાત કરાવ્યા બાદ આરોપીએ છોકરી અને તેનાં માતાપિતાને ધમકી આપી હતી અને એમને પુણે મોકલી દીધાં હતાં. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે છોકરીનાં એક સગાએ પોલીસને જાણ કરી હતી. પોલીસે છોકરીની પૂછપરછ કરી હતી અને સમગ્ર ગુનામાં સંડોવાયેલા ૧૪ જણ સામે કેસ નોંધ્યો છે.