આર્થિક સંકડામણ : વડોદરામાં માતાએ બે દીકરીને ઝેરી દવા પીવડાવી ગળું દબાવી મોતને ઘાટ ઉતારી, પોતે પણ ફાંસો ખાધો.

વડોદરા/શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી અક્ષતા સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા દક્ષાબેન ચૌહાણે પોતાની બે દીકરીને ઝેરી દવા પીવડાવી અને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી હતી. બાદમાં પોતે પણ ફાસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતા સનસનાટી મચી ગઈ છે. આપઘાતનો પ્રયાસ કરતા બચાવી લેવામાં આવેલી મહિલાને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટનામાં પોલીસને સુસાઇડ નોટ મળી આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. આ ઘટના પાછળ આર્થિક ભીંસ કારણભૂત હોવાનું કહેવાય છે. મોટી દીકરીને એર હોસ્ટેસ બનવું હતું.

માતાના હાથે મોતને ઘાટ ઉતારાયેલી બે દીકરીઓ પૈકી મોટી દીકરી હની ટી.વાય. બીકોમમા અભ્યાસ કરતી હતી. જ્યારે નાની દીકરી સુહાની ધોરણ 9માં અભ્યાસ કરતી હતી. બંને દીકરીના હાથ-પગ બાંધી ઝેરી દવા પીવડાવી હતી. પરંતુ, દીકરીઓ ન મરતાં તેઓના ગળા દબાવી મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. તે બાદ માતાએ ફાસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

મળેલી માહિતી પ્રમાણે બે દીકરીને મોતને ઘાટ ઉતારવામાં માતા દક્ષાબેન ચૌહાણ સાથે અન્ય વ્યક્તિ પણ હોવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી. બી. 66 અક્ષતા કો. હાઉસિંગ સોસાયટીમાં ત્રણ મજલી મકાનના બીજા માળે 20 દિવસ પહેલાં દક્ષાબેન તેમની બે દીકરી સાથે ભાડે રહેવા માટે આવ્યા હતા.

મળેલી માહિતી મુજબ વહેલી સવારે 6 વાગ્યાના સુમારે દક્ષાબેનના ઉપરના માળે ભાડે રહેતી એક છોકરીએ એક યુવાનને દક્ષાબેનના ઘરમાંથી નીકળતા જોયો હતો. તેઓએ ચોર સમજી બુમરાણ મચાવી હતી. દરમિયાન યુવતી દક્ષાબેનના ઘરમાં તપાસ કરવા જતાં તેણે દક્ષાબેનને ફાંસો ખાધેલી હાલતમાં જોતાં તેઓને ઉતારી બે લાફા પણ ઝીકી દીધા હોવાનું જાણવા મળ્યું હતું.