અમદાવાદ, રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. તેવા અમદાવાદમાં પણ વધુ એક અકસ્માતની ઘટના બની છે. અમદાવાદના સાણંદ સર્કલ ઓવરબ્રિજ પાસે નીચે સુતેલા વ્યક્તિ પર ગાડી ચઢાવી દેતા પીડિતનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે.
મળતી માહિતી અનુસાર કાર ચાલકે કાર પાર્ક કરતી સમયે આ દુર્ઘટના સર્જી હતી. નીચે સુતેલા વ્યક્તિને માથાના ભાગમાં ઈજા થતા કરુણ મોત નિપજ્યું છે. આ સમગ્ર ઘટના અંગે એસ.જી હાઇવે ટ્રાફિક ૨ પોલીસ સ્ટેશનમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. તો આ અગાઉ અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ડમ્પરચાલકે ૧૩ વર્ષીય કિશોરને કચડી માર્યો હોવાની ઘટના બની હતી. બાળક મોલમાં બેસન લેવા ગયું હતું ત્યારે તે સાઈકલ પર ઘરે પરત ફરી રહ્યું હતું. તે સમય દરમિયાન પાછળથી આવતુ ડમ્પર તેના પર ફરી વળ્યું હતું. અકસ્માત સર્જાતા ડમ્પરચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.