નવીદિલ્હી, ચીન અને પાકિસ્તાનના મોરચે ભારત સતત પોતાને મજબૂત કરી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતની સૈન્ય તાકાત ઘણી વધી છે. આ દરમિયાન ભારતીય નૌકાદળના કાફલાની તાકાતમાં પણ અનેકગણો વધારો થવાનો છે.
આઈએનએસ વિક્રાંત માટે ફ્રાન્સથી ૨૬ રાફેલ (સમુદ્રી ફાઈટર જેટ) એરક્રાફ્ટનો સોદો થઈ શકે છે, જેના પર પીએમ મોદીની મુલાકાત દરમિયાન હસ્તાક્ષર થઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીના પ્રવાસ પહેલા ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની બેઠકમાં અબજોની આ ડીલ પર અંતિમ મહોર લાગી શકે છે.
પીએમ મોદીની મુલાકાત દરમિયાન ત્રણ સબમરીનના નિર્માણ અંગે વાતચીત થઈ શકે છે. મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમ હેઠળ તેમને ભારત લાવવાની વાત થઈ શકે છે. એટલે કે તેઓ ભારતમાં જ તૈયાર થઈ શકે છે. જો કે હજુ સુધી સરકાર તરફથી આ અંગે કોઈ માહિતી બહાર આવી નથી. આગામી દિવસોમાં આ અંગે ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૩થી ૧૪ જુલાઈ સુધી બે દિવસીય ફ્રાંસના પ્રવાસે જશે. આ સમયગાળા દરમિયાન થનારી સંરક્ષણ સોદાઓને લઈને હાલમાં બંને દેશો તરફથી મૌન જાળવવામાં આવ્યું છે. જોકે એવું માનવામાં આવે છે કે ભારત અને ફ્રાન્સ સંરક્ષણ સોદા માટે રોડમેપ તૈયાર કરી શકે છે. ભારત ફ્રેન્ચ કંપનીઓની મદદથી ભારતમાં એન્જિન અને અન્ય વસ્તુઓનું ઉત્પાદન કરવાનો પ્રયાસ કરશે. આમાં ખાસ કરીને ભારતીય નૌકાદળ માટે અનેક પ્રકારના નવી ટેક્નોલોજીના હથિયારો ખરીદી શકે છે. ચીન દરિયાઈ સરહદો પર પણ ભારત માટે ખતરો ઉભો કરી રહ્યું છે, આવી સ્થિતિમાં ફ્રાન્સ સાથેની આ ડીલ ઘણી મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પીએમ મોદીના પ્રવાસ પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહ દ્વારા એક બેઠક બોલાવવામાં આવી છે. ૧૩ જુલાઈએ યોજાનારી આ બેઠકમાં ભારતીય નૌસેના માટે ૨૬ રાફેલ-એમ ફાઈટર એરક્રાફ્ટ ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી શકે છે. એટલા માટે દરેકની નજર ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની આ બેઠક પર છે.
ફ્રાન્સના રાફેલ-એમ ફાઈટર જેટને દરિયામાં દેખરેખ અને લડાઈ માટે ખૂબ જ સચોટ માનવામાં આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ એરક્રાફ્ટ અમેરિકન ફાઈટર હોર્નેટ કરતા વધુ સારા અને સસ્તા છે. આ વિમાનોને એરક્રાફ્ટ કેરિયર આઇએનએસ વિક્રાંત પર તૈનાત કરી શકાય છે.