પંજાબના ઘણા ભાગોમાં મુશળધાર વરસાદને કારણે સેનાને એલર્ટ પર રાખવામાં આવી

ચંડીગઢ, પંજાબના ઘણા ભાગોમાં મુશળધાર વરસાદને કારણે સેનાને એલર્ટ પર રાખવામાં આવી છે. મુશળધાર વરસાદને કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર ટ્રાફિક જામ થયો હતો અને ઘણી ફ્લાઈટમાં વિલંબ થયો હતો. પૂર પ્રભાવિત જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. મોહાલી અને ફતેહગઢ સાહિબમાં એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. સેનાના જવાનોને પણ આ વિસ્તારોમાં સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને તમામ અધિકારીઓને વરસાદ અને પૂર પ્રભાવિત વિસ્તારોમાં જઈને લોકોને મદદ કરવા સૂચના આપી છે. સીએમ માને અધિકારીઓ અને ધારાસભ્યોને લોકોની મદદ માટે લોકોની વચ્ચે જવા કહ્યું છે.

પંજાબના મુખ્યમંત્રીએ પાણી ભરાયેલા વિસ્તારોમાં પાણીના પંપનો ઉપયોગ કરવાની સૂચના આપી હતી. તેમણે સ્પષ્ટ કહ્યું કે લોકોને દરેક શક્ય મદદ કરવી જોઈએ. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ પંજાબના મુખ્યમંત્રી સાથે વાત કરી અને શક્ય તમામ મદદની ખાતરી આપી. પંજાબમાં આજે પણ ભારે વરસાદની સંભાવના છે આઇએમડીએ જણાવ્યું હતું કે છેલ્લા ૨૪ કલાક દરમિયાન ચંદીગઢમાં ૩૦૨.૨ મીમી વરસાદ નોંધાયો છે.પંજાબના અનેક જિલ્લાઓમાં રસ્તાઓ પર ૨-૩ ફૂટ પાણી જમા થઈ ગયું છે. મોહાલી, રૂપનગર, પટિયાલા અને ફતેહગઢ સાહિબમાં સ્થિતિ સૌથી ખરાબ છે. સતલજ સહિત અનેક નદીઓ તણાઈ રહી છે. પાણી ભરાવાને કારણે વાહનોની અવરજવરને અસર થઈ છે. સાથે જ શહેરના અનેક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પણ પાણી ઘુસી ગયા છે. મોહાલીમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

મોહાલીમાં પાણી ભરાવાને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. સેંકડો ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. અહીં સોસાયટીમાં લોકોને બોટનો સહારો લેવો પડે છે. મોહાલીની દેરાબસ્સી સોસાયટીમાં પાણી ભરાવાને કારણે વાહનો ડૂબી ગયા હતા. જ્યારે, ફતેહગઢ સાહિબમાં, લોકોને તેમના ઘરોમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. પંજાબમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

જણાવી દઈએ કે મેદાનોથી લઈને પહાડી વિસ્તારો સુધી વરસાદનો કહેર છે. બધે પાણી જ પાણી દેખાય છે. ભારે વરસાદને કારણે ઉત્તર ભારતના રાજ્યોમાં ૧૯ લોકોના મોત થયા છે.