દાહોદ-ઇન્દોર રેલ લાઈન ચાલુ કરાવવામાં દાહોદના સાંસદને રસ નથી કે પછી તેમનો પનો ટૂંકો પડે છે ?

દાહોદ, દાહોદ-ઈન્દોર રેલ લાઈનના કામમાં દાહોદ થી કતવારા સેક્શનમાં 10 કિલોમીટર જેટલું કામ થયું છે. તેના પછી કતવારા થી પીટોલ સુધી 19 હેક્ટર જમીન જે ફોરેસ્ટ વિભાગમાં આવે છે. તેમાંની એક ઇંચ જમીન પણ રેલવે વિભાગે અત્યાર સુધીમાં રેલ્વે લાઈન માટે હસ્તગત કરી નથી. હાલ પીટોલ થી ઝાબુઆ વચ્ચે રેલ્વે દ્વારા કામ ચાલુ કરવામાં આવ્યું છે. પરંતુ ઝાબુઆ થી ધાર સુધીના અંતરમા ફોરેસ્ટ તેમજ અભ્યારણની જમીન હોવાથી ત્યાં પણ જમીન હસ્તગત કરવાનું કામ ઘોંચમાં પડ્યું છે.

હાલમાં પીથમપુર ટીહી ટનલનું કામ ચાલી રહ્યું છે. કોરોના કાળમાં આ રેલ લાઈનના તમામ ટેન્ડરો રદ કરી આ પ્રોજેક્ટ રેલવે વિભાગ દ્વારા હોલ્ટ પર મૂકી દેવામાં આવ્યો હતો. હવે પરિસ્થિતિ સામાન્ય બનતા આ પ્રોજેક્ટ માટે રેલવે દ્વારા રૂપિયા 400 કરોડ ફાળવવામાં આવ્યા છે. જેથી કામ તો શરૂ થયું છે. પરંતુ તેમાં જોઈએ તેટલી ઝડપ જોવા મળતી નથી. જેમાં જમીનો હસ્તગત જ થઈ નથી તો કામ કેવી રીતે આગળ ચાલશે? તે પ્રશ્ર્ન રેલવે વિભાગ માટે એક કોયડો બનીને રહી જવા પામ્યો છે. આ પહેલા પણ રેલ્વે દ્વારા બજેટમાં જે રકમ ફાળવવામાં આવી હતી. તેમાં રેલવેના અફસરોની લાપરવાહીને કારણે કામ ન થતા મોટા ભાગની ગ્રાન્ટ ની રકમ લેપ્સ થઈ જવા પામી હતી. એપ્રિલ 2022માં વડાપ્રધાન મોદી રેલ્વે વર્કશોપ ખાતે આવ્યા હતા તે સમયે તત્કાલીન ડી આર એમ વિનીત કુમારે પ્રેસબ્રીફમાં જણાવ્યું હતું કે, દાહોદ કતવારા સેક્શન સપ્ટેમ્બર સુધીમાં ચાલુ કરી દઈશું. પરંતુ આ સેક્શનમાં પણ હાલ બ્રોડગેજ લાઈન નાખવાનું કામ ચાલી રહ્યું છે. કતવારાનું રેલવે સ્ટેશન પૂર્ણતાના આરે છે. પરંતુ રેલવેના નિયમ મુજબ ઓછામાં ઓછા 55 કિલોમીટર સુધી રેલવે લાઈનનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી રેલ્વે લાઈન ચાલુ કરી શકાતી નથી. એટલે હાલ તે દાહોદ થી કતવારા સેક્શન ધોળા હાથી સમાન છે.

પ્લેટફોર્મની વાત કરીએ તો દાહોદ રેલવે પ્લેટફોર્મની મંજૂરી તો પ્રભાબેન તાવીયાડના વખતથી મળેલી છે. અને દાહોદના સાંસદ દ્વારા કરવામાં આવેલી કેટ કેટલી રજૂઆતો છતાં પણ કોરોના કાળમાં બંધ કરવામાં આવેલી દાહોદવાસીઓ માટે લાઈફ લાઈન ગણાતી અને રોજિંદી રૂપિયા એક લાખની આવક ધરાવતી દાહોદ- વલસાડ ઇન્ટરસિટી, દાહોદ-વડોદરા મેમુ તેમજ આણંદ- દાહોદ મેમુ હજી સુધી ચાલુ કરવામાં આવી નથી. આ સિવાય કોરોના કાળ પહેલા જેટલી ટ્રેનો ચાલી રહી હતી. તેમાંની મોટાભાગની એક્સપ્રેસ ટ્રેનોના દાહોદ ખાતેના સ્ટોપેજ રેલવે વિભાગ દ્વારા ઉઠાવી લેવામાં આવ્યા છે. તેમજ છેલ્લા બે વર્ષની વાત કરીએ તો જેટલી રેલ્વે ટ્રેનો ચાલુ કરવામાં આવી હતી તેમાંની ગણતરી પૂરતી એકાદ બે ટ્રેનોનું દાહોદ સ્ટેશને સ્ટોપેજ આપવામાં આવ્યું છે. તે ખરેખર દાહોદ વાસીઓની કમનસીબી કહેવાય.

રેલવે સંબંધી બાબતો માટે દર વર્ષે ડીઆરએમ તેમજ જીએમ ની અધ્યક્ષતામાં સાંસદોની મીટીંગ બોલાવવામાં આવે છે અને તેમાં તેઓના મત વિસ્તારના રેલવે બાબતના પ્રશ્ર્નોની ચર્ચા કરવામાં આવે છે. અને તેના ઉકેલ માટેના પ્રયાસો કરવાની ચર્ચા વિચારણા થાય છે. પરંતુ અત્યાર સુધીની મીટીંગોમાં દાહોદના સાંસદ કે તેમના પ્રતિનિધિ એકે વખત ઉપસ્થિત રહ્યા નથી, તેવા આક્ષેપો ભરી ચર્ચા છે. તેઓ રેલ્વેમાં લેટરો લખ્યા હોવાના દાવાઓ તો જરૂર કરે છે, પરંતુ તે લેટરો મીડિયા સુધી કેમ પહોંચતા નથી? તે પણ એક તપાસનો વિષય છે. ડીઆરએમ તેમજ જીએમ ની અધ્યક્ષતામાં બોલાવવામાં આવતી સાંસદોની આ મીટીંગોમાં ઇન્દોરના સાંસદ શંકર લાલવાણી તેમજ ઝાબુવા રતલામના સાંસદ ગુમાનસિંહ ડામોર દ્વારા દાહોદ ઈન્દોર રેલ લાઈન માટે અનેકવાર સવાલો ઉઠાવવામાં આવ્યા ચર્ચાઈ રહ્યું છે. ત્યારે દાહોદ- ઈન્દોર રેલ લાઈનની હાલની ચાલી રહેલી કામગીરીને જોતા દાહોદવાસીઓ દાહોદ ઈન્દોર લાઈન પર દોડતી ટ્રેનો ક્યારે જોશે, તે કહેવું અત્યારે ખૂબ જ મુશ્કેલ છે.