મિશન 160 કી.મી રફતાર ….પશ્ચિમ રેલવે દ્વારા બંને તરફ બાઉન્ડ્રી વોલ બનાવવાની કામગીરી પૂરજોશમાં

  • ગોધરા- નાગદા સેક્શનમાં 86 કિલોમીટર પૈકી 31 કિલોમીટર સુધીનો બાઉન્ડ્રી વોલનું કાર્ય પૂર્ણ.
  • રેલવે દ્વારા મિશન રફતાર અંતર્ગત બિલડી, ભેરોગઢ તેમજ રતલામ નાગદા વચ્ચે ત્રણ ડિગ્રી સુધી કર્વ સીધા કર્યા.
  • રેલવે દ્વારા કર્મ સીધા કરાતા 60 કિમીની જગ્યાએ 110 કિ.મી.ની ગતિએ ટ્રેનોનું સંચાલન શરૂ થયું.
  • બાઉન્ડ્રી વોલનું કાર્ય પૂર્ણ થવાથી પાલતુ તેમજ જંગલી જાનવરોની અવરજવર બંધ થશે.

દાહોદ, પશ્ચિમ રેલવે હવે આધુનિકતા તરફ આગળ વધી રહ્યું છે. રાજધાની તેમજ શતાબ્દીની જગ્યાએ હવે વંદે ભારત તેજસ જેવી સુપરફાસ્ટ ટ્રેનનું સંચાલન પણ ભારતીય રેલવેમાં શરૂ થઈ ગયું છે. તાજેતરમાં બ્રિટિશ સમયનો અને સૌથી વ્યસ્ત ગણાતો દિલ્હી મુંબઈ રેલમાર્ગ પર ભારતીય રેલવે મિશન 160 કિમી રફતાર યોજનાં અંતર્ગત કાર્ય પુરજોશમાં કરી રહી છે. આ યોજના અંતર્ગત રતલામ મંડળમાં સમાવિષ્ટ નાગદા ગોધરા સેક્શનમાં આડખીલી રૂપ બનતા કર્વને સીધા કરવાની કામગીરી તાજેતરમાં પૂર્ણ કરી છે. જેના પગલે આ સેક્શનમાં 60 કિમીની રફતાર પસાર થતી ટ્રેનો હવે 110 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પસાર થઈ રહી છે. રેલવે તંત્ર દ્વારા તાજેતરમાં રતલામ- નાગદા તેમજ બિલડી તથા ભેરોગઢ સેક્શનમાં ત્રણ થી ચાર ડિગ્રી જેટલા કર્વને સીધા કરી ટ્રેક મેન્ટેનન્સ નો કાર્ય પૂર્ણ કર્યો છે. તો સાથે સાથે રેલવે તંત્ર મિશન રફતાર અંતર્ગત અને બાબતો પર ફોકસ કરી રહ્યું છે. જેમાં ગોધરા રતલામ સેક્શનમાં આવતા પુલ ફિટનેસ ચકાસણી કરી પુલોને મજબૂત કરવાની દિશામાં કાર્ય કરી રહ્યું છે. તેમજ પુલો ઉપર ચેનલ સ્લીપરની જગ્યાએ બિમ સ્લીપર ગોઠવવાની સાથે સાથે આ રેલમાર્ગ પર 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેનનું સંચાલન કરવા માટેની દિશામાં સરક્ષા તેમજ સુરક્ષાને ધ્યાને લઈ રેલવે ટ્રેકની બંને તરફ બાઉન્ડ્રી વોલનું કામ પણ પૂરજોશમાં શરૂ કરી દીધું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રેલવે તંત્ર 51 કરોડના ખર્ચે રતલામ ગોધરાના 86 કિલોમીટર લાંબા સેક્શનમાં બાઉન્ડ્રી વોલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં કુલ 31 કીમી સુધીમાં બંને તરફ બાઉન્ડ્રી વોલનો કાર્ય પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ સેક્શનમાં બંને તરફનું બાઉન્ડ્રી વોલનું કાર્ય પૂર્ણ થયા બાદ આ રેલમાર્ગ પર પાલતું અથવા જંગલી જાનવરોનું અવરજવર બંધ થઈ જશે. જેના પગલે દિલ્હી મુંબઈ રેલમાર્ગ પર 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેનનો દોડાવવા અને સંચાલનમાં મદદ મળશે અને મુસાફરોનો સમયની પણ બચત થશે તેમાં કોઈ બેમત નથી.