ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં રાજકીય સંકટ વધુ ઊંડું, નવી સરકારની રચનાને લઈને જૂથવાદ ચરમસીમાએ

ઈસ્લામાબાદ, ગિલગિટ-બાલ્ટિસ્તાનની એક અપીલ કોર્ટે મુખ્ય પ્રધાન ખાલિદ ખુર્શીદની કાયદાની ડિગ્રીને નકલી જાહેર કરી અને તેમને ગેરલાયક ઠેરવ્યા. આ ઘટના બાદથી અહીં રાજકીય સંકટ વધુ ઘેરાયેલું છે. અહીં ગુલામ જમ્મુ-કાશ્મીર જેવી સ્થિતિ સર્જાઈ છે. નવા મુખ્યમંત્રીની ચૂંટણી ૧૩ જુલાઈના રોજ યોજાશે. આ અંગે રાજકીય જૂથવાદ ચરમસીમાએ છે.

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના નેતા ખાલિદ ખુર્શીદની ડિગ્રી પર કોર્ટના ચુકાદાના એક દિવસ પહેલા ૩ જુલાઈએ નવા મુખ્યમંત્રીની પસંદગી થવાની હતી. તે દિવસે કાર્યવાહી શરૂ થાય તે પહેલા જ પોલીસે ગિલગિટ શહેરમાં વિધાનસભાને ઘેરી લીધી હતી. કર્મચારીઓ, સભ્યો અને પત્રકારોને પરિસરમાંથી બહાર કાઢીને વિધાનસભા સીલ કરવામાં આવી હતી.

પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ત્રણ જૂથોમાં વહેંચાઈ ગઈ છે. અગાઉની સરકારમાં નાણામંત્રી રહેલા જાવેદ મનવાએ પીટીઆઈના અસંતુષ્ટોનું ’હમ ખયાલ ગ્રુપ’ બનાવ્યું છે. આ સિવાય હાજી ગુલબર ખાન અને ગેરલાયક ખાલિદના જૂથો છે.

ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટી અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ સાથે ગઠબંધન સરકાર રચાશે તેવા મજબૂત સંકેતો છે. ગુલામ કાશ્મીરમાં પણ બરાબર આવી જ સ્થિતિ હતી. ૧૧ એપ્રિલના રોજ, ગુલામ કાશ્મીરના તત્કાલિન વડાપ્રધાન અને પીટીઆઈ નેતા તનવીર ઈલ્યાસને હાઈકોર્ટે તિરસ્કારના કેસમાં ગૃહના સભ્યપદ અને વડાપ્રધાન પદ પરથી અયોગ્ય ઠેરવ્યા હતા.

આ પછી હોર્સ ટ્રેડિંગ અને પાકિસ્તાન સરકાર અને સેનાના દબાણને કારણે પીટીઆઈનું વિભાજન થયું હતું. ચૌધરી અનવારુલ હકના નેતૃત્વમાં બનેલા પીટીઆઈ ફોરવર્ડ બ્લોકે પીએમએલ-એન અને પીપીપીના સમર્થન સાથે ગઠબંધન સરકારની રચના કરી.