ગાંધીનગર, ગુજરાતની રાજ્યસભાની ૩ બેઠકો માટે ૨૪ જુલાઈએ ચૂંટણી યોજાવાની છે. જેને લઈને વિદેશમંત્રી એસ.જયશંકર આવતીકાલે બપોરે ૧૨:૩૯ વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભરશે.
રાજ્યસભાની ૧૦ બેઠકો માટે આગામી ૨૪ જુલાઈએ ચૂંટણી યોજાવાની છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાની ચૂંટણીનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. રાજ્યસભાની ચૂંટણી માટે ૧૩ જુલાઇએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. ૨૪ જુલાઈ ચૂંટણી પૂર્ણ થયા બાદ સાંજે પાંચ વાગ્યે મતગણતરી હાથ ધરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં રાજ્યસભાની ૩ બેઠક માટે ચૂંટણી યોજાશે.
ગુજરાતમાં રાજ્યસભાની ૧૧ બેઠકો આવેલી છે. જેમાંથી ભાજપ પાસે ૮ બેઠકો છે. જ્યારે કોંગ્રેસ પાસે ૩ બેઠકો છે. વાસ્તવમાં આગામી ઓગસ્ટ મહિનામાં વિદેશ મંત્રી એસ.જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે આ ત્રણ બેઠક માટે આ મહિનાની ૨૪ તારીખે ચૂંટણી યોજાશે. ત્યારે રાજ્યસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વિદેશમંત્રી એસ.જયશંકર આવતીકાલે બપોરે ૧૨:૩૯ વાગ્યે ફોર્મ ભરવા જઈ રહ્યા છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભાજપના એક ઉમેદવાર એસ.જયશંકર આવતીકાલે બપોરે ૧૨:૩૯ વાગ્યે ફોર્મ ભરશે. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના નેતાઓ હાજર રહેશે. જોકે, હાલ તો ભાજપના એક ઉમેદવાર એસ. જયશંકર ફોર્મ ભરશે તેવા સમાચાર સામે આવ્યા છે. અન્ય બે બેઠકો પર જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયા રિપીટ કરાશે કે પછી તેમની જગ્યાએ કોઈ બીજાને તક અપાશે, તેને લઈને હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. હાલ પાર્ટી હાઈકમાન્ડ દ્વારા આ અંગે વિચારણા ચાલી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાતના મોટા નેતા જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાની જગ્યાએ અન્ય કોઈની પસંદગી કરવામાં આવી શકે છે. જોકે, આ મામલે અંતિમ નિર્ણય તો હાઈકમાન્ડ દ્વારા જ લેવામાં આવશે. જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડિયામાંથી ભાજપ કોને રિપીટ કરશે અને કોને પડતા મૂકશે તે તો આવનારા દિવસોમાં જ સાચી ખબર પડશે.