૧૫ ફૂટ પાણીમાં માધવરાય ભગવાન થયા જળમગ્ન, સરસ્વતી નદીમાં ઘોડાપુર

ગીરસોમનાથ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ ૪૦.૩૦ ટકા વરસાદ પડી ગયો છે. હજુ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હાલ ગુજરાતના વિવિધ ભાગોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ ખાબકી રહ્યો છે. ગીર સોમનાથમાં ભારે વરસાદને કારણે ભગવાન જળમગ્ન થયા છે. પ્રાચીન તીર્થના માધવરાય ભગવાન જળમગ્ન થયા છે. પાણી ભરાવાથી ૧૨થી ૧૫ ફૂટ પાણીમાં મૂર્તિ જળમગ્ન થઇ છે. તાલાલામાં વરસાદથી સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યા છે. જ્યારે સતત વરસાદને કારણે નદીઓ ઓવરલો થઇ છે.

બીજી બાજુ, ૨૪ કલાકમાં રાજ્યના ૨૨૪ તાલુકામાં વરસાદ પડ્યો છે. જામનગરમાં સૌથી વધુ સાડા ચાર ઈંચ વરસાદ પડ્યો છે. ગીર સોમનાથના તાલાળામાં પણ સાડા ૪ ઈંચ પડ્યો છે. રાજ્યના ૨૧ તાલુકામાં ૨ ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. ગુજરાતના ૬૫ તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે આજે સવારે ૨ કલાકમાં અબડાસામાં ૪ ઈંચ વરસાદ ખાબક્યો છે.

ગુજરાતમાં સિઝનનો સરેરાશ ૪૦.૩૦ ટકા વરસાદ નોંધાયો છે. ૨ રાઉન્ડમાં જ ગુજરાતને ૪૦ ટકાથી વધુ વરસાદ મળ્યો છે. ૨ રાઉન્ડમાં કચ્છ જિલ્લામાં મેઘરાજાએ બખ્ખા કરાવ્યા છે. કચ્છ જિલ્લામાં સિઝનનો સરેરાશ ૧૦૪.૪ ટકા વરસાદ પડ્યો છે. બીજા ક્રમે સૌરાષ્ટ્રમાં સરેરાશ ૫૮.૧ ટકા વરસાદ, જ્યારે ઉત્તર ગુજરાતમાં સિઝનનો સરેરાશ ૩૯.૬ ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સિઝનનો સરેરાશ ૩૦.૯ ટકા વરસાદ અને સૌથી ઓછો પૂર્વ મધ્ય ગુજરાતમાં ૨૭.૭ ટકા વરસાદ પડ્યો છે.

આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા અને સૌરાષ્ટ્રના મોરબીનો સમાવેશ થાય છે. આ સિવાય પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, રાજકોટ, જામનગર અને કચ્છમાં ભારે વરસાદ થવાની આગાહી છે.

ડૉ. મનોરમા મોહંતીએ પાંચ દિવસની આગાહી કરીને ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, બે દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાની આગાહી છે. ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદ થવાની પણ શક્યતાઓ છે.