ત્રિપુરા વિધાનસભામાં હંગામો થયો, ધારાસભ્યોએ ટેબલ પર ચઢીને કર્યું પ્રદર્શન.

કોચ્ચી,
ત્રિપુરામાં શુક્રવારે વિધાનસભામાં બજેટ સત્ર શરૂ થયું હતું, પરંતુ સત્રના પહેલા જ દિવસે ભારે હંગામો થયો હતો. વિધાનસભા ગૃહમાં ભારતીય જનતા પાર્ટી અને ટીપરા મોથા પાર્ટીના ધારાસભ્યો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ઘણા ધારાસભ્યોએ ટેબલ પર ચઢીને હંગામો મચાવ્યો હતો. આ વાત અહીં ન અટક્તા કેટલાક ધારાસભ્યોએ મારામારી પણ કરી હતી. હંગામાની આ ઘટના બાદ ૫ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો ત્રિપુરા વિધાનસભામાં બજેટ સત્ર શરૂ થયું હતું. આ સત્ર દરમિયાન વિપક્ષના નેતા અનિમેષ દેબબર્માએ એક પ્રશ્ર્ન પૂછ્યો હતો. આ સવાલ બાદ જ હંગામો શરૂ થયો હતો. વિપક્ષી નેતાએ વિધાનસભામાં ભાજપના નેતા પોર્ન વીડિયો જોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
વિધાનસભાના સત્ર દરમિયાન ગૃહના અયક્ષે આ પ્રશ્ર્નને નકારી કાઢ્યો અને તેમણે કહ્યુ કે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવી જોઈએ. અયક્ષની આ વાત પર વિપક્ષના નેતાઓ ગુસ્સે થયા અને ગૃહમાં સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. થોડી જ વારમાં આ સૂત્રોચ્ચાર બાદ હંગામો શરૂ થયો અને કેટલાક ધારાસભ્યોએ ગૃહમાં ટેબલ પર ચઢીને વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કરી દીધું હતું.

તમને જણાવી દઈએ કે ત્રિપુરાની ટીપ્રા મોથા પાર્ટી હાલના દિવસોમાં ઘણી ચર્ચામાં રહી છે. પાર્ટીના વડા પ્રદ્યોત વિક્રમે રાજકારણથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. પ્રદ્યોતનું કહેવું છે કે તે થોડા સમય માટે રાજકારણ અને જાહેર જીવનથી દૂર રહેશે. પ્રદ્યોતે જાહેર કર્યું હતું કે સંસદસભ્ય બનવાથી કંઈ નહીં થાય, પરંતુ આપણા લોકો માટે કંઈક કરવું પડશે.