નવીદિલ્હી, ટમેટા સહિત શાકભાજીના ભાવમાં ધરખમ વધારાના પગલે દેશભરમાં ઉહાપોહ સર્જાયો છે ત્યારે ભાવ વધુને વધુ વધી રહ્યા હોય તેમ ઉત્તરાખંડ જેવા રાજયોમાં ટમેટાનો ભાવ ૨૦૦ થી ૨૫૦ રૂપિયાએ પહોંચ્યો છે. હવે બટેટા તથા ડુંગળીના ભાવમાં વધારો થવાની આશંકા વ્યક્ત થઇ રહી છે. કેન્દ્ર સરકારના સત્તાવાર ટમેટાના ભાવ પણ રૂા.૧૬૨ થયા છે.
ટમેટાના ઓછા ઉત્પાદન અને અછતની સ્થિતિ વચ્ચે દેશભરમાં ટમેટાના ભાવ મોંઘા થયા છે અને મોટો ઉહાપોહ છે ત્યારે ઉત્તર કાશીમાં ટમેટાના ભાવે અભુતપૂર્વ રેકોર્ડ સર્જયો છે.
ઉત્તર કાશીમાં ટમેટા રૂા.૨૦૦ થી ૨૫૦ના ભાવે વહેચાતા હોવાનું બહાર આવ્યું છે. શાકભાજી વિક્રેતાએ જણાવ્યું કે ટમેટાની ખેતીને નુક્સાની હોવાથી અદભુતપૂર્વ ભાવ વધારો છે. બીજી તરફ કેન્દ્ર સરકાર વિવિધ આવશ્યક ચીજો પર દૈનિક ધોરણે નજર રાખતી જ હોય છે. ગુરૂવારે દેશભરમાં ટમેટાનો સરેરાશ ભાવ પ્રતિ કિલો રૂા.૧૬૨ નોંધાયો છે. મહાનગરોમાં રૂા. ૧૫૨ ભાવ હતો.
જોકે રાહત બાબતોના મંત્રાલય દ્વારા સરેરાશ ભાવ ૯૫.૫૮ દર્શાવવામાં આવ્યો હતો. ઉતરપ્રદેશના શાહજહાંપુરમાં ભાવ રૂા.૧૬૨ દર્શાવવામાં આવ્યો હતો. દરમ્યાન ટમેટા, શાકભાજી બાદ હવે ડુંગળી, બટેટા પણ મોંઘા થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જાણકારોના કહેવા પ્રમાણે હવે આવતા દિવસોમાં તહેવારોની મોસમ શરૂ થશે અને ત્યારે બટેટાનો વપરાશ વધી જતો હોય છે. થોડા દિવસોથી બટેટાના ભાવ વધવા લાગ્યા છે અને આવતા દિવસોમાં હજુ તેમાં વધારો થશે.
આ સિવાય ડુંગળીના ઉત્પાદન વિશે પણ અટકળો વ્યક્ત થવા લાગી છે અને તેની અસરે તેના ભાવ પણ વધી શકે તેમ હોવાનું જાણકારોએ જણાવ્યું છે. કેન્દ્રીય મંત્રીએ જોકે એવો દાવો કર્યો કે ડુંગળી બટેટાના ભાવ હજુ સુધી નિયંત્રણમાં છે. પરંતુ શાકભાજી ક્ષેત્રના જાણકારોના મતે આવતા દિવસોમાં ડુંગળી, બટેટા પણ મોંઘા થઇ શકે છે.