- ઉત્તર ગુજરાતમાં સીઝનનો ૩૫ ટકા વરસાદ વરસ્યો છે.
પાટણ, રાજ્યમાં વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત થઇ ચૂકી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના પગલે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. મહેસાણામાં ધોધમાર વરસાદને પગલે ગોપીનાળામાં વરસાદી પાણી ભરાયા છે. જેના પગલે ગોપીનાળામાં બસ ફસાઈ હતી ગોપીનાળાના બંને બાજુના રસ્તાઓ બંધ પાણી ભરાવવાને લીધે બંધ કરાયો છે
હવામાન વિભાગાની આગાહી અનુસાર મેઘમહેર જોવા મળી રહી છે. પાટણમાં મોડી રાતથી વહેલી સવાર સુધી ધોધમાર વરસાદ પડ્યો છે. ૨ ઈંચ વરસાદમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. શહેરના આનંદ સરોવર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. રસ્તાઓ પર પાણી ભરાતા રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે.
પાટણ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં જિલ્લાના ૬ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સૌથી વધુ સરસ્વતી તાલુકામાં ૪ ઈંચ વરસાદ પડ્યો છે. પાટણ ૨ ઈંચ, રાધનપુર ૧ ઈંચ તેમજ સિદ્ધપુર, હારીજ અને ચાણસ્મા પણ નોંધપાત્ર વરસાદ પડ્યો છે. હાલ પણ જિલ્લામાં ધીમી ધારે સાર્વત્રિક વરસાદ શરુ થયો છે.બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં પણ ધોધમાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ ઉભી થઇ છે. ધોધમાર વરસાદને કારણે પાલનપુરમાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે. શહેરના અનેક રસ્તા પાણીમાં ગળાડૂબ થયા છે. નીચાણાળા વિસ્તારોમાં પણ ચોતરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું બીજી તરફ અનેક હાઇવે પાણીમાં ડૂબ્યાં છે. આબુરોડ, અમદાવાદ હાઇવે, અંબાજી હાઇવે સહિતના રોડ પર વરસાદી પાણી ફરી વળ્યાં છે. જેને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં રોડ પર પાણી ભરાવાના કારણે ભારે ટ્રાફિક સર્જાયો. કલાકો સુધી ટ્રકચાલકો ટ્રાફિકમાં અટવાયા હતા.
બનાસકાંઠા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે. અમીરગઢ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તો આ તરફ ઇકબાલગઢ વિસ્તારમાં વરસાદ બાદ દોઢ ઇંચ સુધી પાણી ભરાઇ ગયા હતા.ખેતરોમાં પાણી ભરાઇ જતા ખેડૂતોએ વાવેલા મગફળીના પાકમાં નુક્સાન થવાની ભીતિ સર્જાઈ છે.જિલ્લામાં ધોધમાર વરસાદ થતા વાતાવરણ ઠંડુગાર બન્યું છે. લોકોને ગરમી અને બફારામાંથી પણ રાહત મળે છે. તો બનાસકાંઠાના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબક્યો છે. લાખણી પંથકના ગ્રામ્ય વિસ્તારો જેવા કે કુડા, કોટડા, મોરાલ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે. મુશળધાર વરસાદને કારણે લાખણીમાં અનેક ખેતરો બેટમાં ફેરવાયા છે.ઉત્તર ગુજરાતમાં સીઝનનો ૩૫ ટકા વરસાદ વરસ્યો છે.પાલનપુરમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. વરસાદને લીધે અમદાવાદ-આબુ રોડ હાઇવે પર પાણી ભરાયા છે, જ્યારે હાઇવે પર ટ્રક પલટી ગયો છે. ટ્રક પલટી જતાં હાઇવે પર ટ્રાફિકજામ સર્જાયો છે. જેના લીધે હાઇવે પર ૨ કિલોમીટર લાંબી વાહનોની ક્તારો લાગી છે.
નોંધનીય છે કે, ૨૪ કલાકમાં રાજ્યના ૧૫૭ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ જૂનાગઢના ભેસાણમાં સાડા ૪ ઈંચ ખાબક્યો છે. પાટણના સરસ્વતીમાં ચાર ઈંચ વરસાદ પડ્યો છે. પોરબંદર અને વીજાપુરમાં સાડા ૩ ઈંચ વરસાદ પડ્યો છે. મુંદ્રા અને લાખણીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજ્યના ૧૯ તાલુકામાં ૨ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ૪૭ તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.