જો બાઇડેને સત્તા સંભાળતાની સાથે જ અમેરિકાના શાશ્વત હરિફ અને જાની દુશ્મન રશિયા સાથે ફરી તનાવ વધી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને હત્યારાની સંજ્ઞા આપી દીધી છે અને સાથે ચેતવણી આપી છે કે પુતિને તેની કિંમત ચુકાવવી પડશે. બાઇડેનની ચેતવણી પછી રશિયાએ તેના અમેરિકાના રાજદૂતને પાછા બોલાવી દીધા છે. જાણકારોનું કહેવું છે કે આવનારો સમય દુનિયા માટે ઘણો પડકારરૂપ થવા જઇ રહ્યો છે અને યુદ્ધ અથવા શીત યુદ્ધનું જોખમ એકદમ વાસ્તવિક નજરે પડી રહ્યું છે.
વિદેશી મામલાના જાણકાર ડોકટર રહીસ સિંહે એક ઓનલાઇન પોર્ટલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના સમયમાં ક્રીમિયા કાંડ પછી રશિયાને કાયમી દુશ્મન તરીકે જોવામાં આવે છે. ડોનાલ્ડ ટ્રંપના આવ્યા પછી તેમણે ચીનને ઘેરવાનું શરૂ કર્યું હતું. પણ બાઇડેન ફરીથી ઓબામાના સમયમાં આવી ગયા છે. ડોકટર સિંહ કહે છે કે હવે જુનુ કોલ્ડ વોર જેવું નહીં હોય. હવે 3 પોલ છે જેમાં અમેરિકાને મહાશકિતના રૂપમાં લોકો માની નથી રહ્યા જે રીતે અમેરિકાને પ્રાઇમ સંકટથી પહેલાં માનવામાં આવતું હતું. ચીન અને રશિયા બે અન્ય પોલ છે. જો હવે કોલ્ડ વોર શરૂ પણ થાય તો તેનું રૂપ પહેલાંથી અલગ હશે.
આ પહેલાં ડોનાલ્ડ ટ્રંપે રશિયાના રાષ્ટ્રપતિના વખાણ કર્યા હતા અને તેમનો પક્ષ પણ લીધો હતો. રશિયાના વિદેશ મંત્રાલયે કહ્યું કે વોશિંગ્ટન સ્થિત રશિયાના રાજદૂત અનાતોલી અંટોનોવને અમેરિકાની સાથેના સંબધોની સલાહ માટે પરત બોલાવી દેવામાં આવ્યા છે. રશિયાએ એ પણ કહ્યું કે અમેરિકાની સાથેના દેશના સંબધ એવી જગ્યાએ ન પહોંચી જાય જયાંથી પાછા ન ફરી શકાય. આ પહેલાં વર્ષ 1988માં રશિયાએ ઇરાકમાં સંયુકત હુમલાના વિરોઘમાં અમેરિકા અને બ્રિટનથી પોતાના રાજદૂતોને પાછા બોલાવી લીધા હતા. જો કે જાણકારોનું કહેવું છે કે આનાથી કોઇ ખાસ ફરક પડયો નહોતો.
આ પહેલાં અમેરિકાના ઇન્ટેલિજન્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું પુતિને અમેરિકામાં ગયા નવેમ્બરમાં થયેલી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ટ્રંપની મદદ કરવાના અભિયાનને મંજૂરી આપી દીધી હતી. રશિયા અને ઇરાને ચૂંટણી પરિણામો પ્રભાવિત કરવાની કોશિશ કરી હતી, પરંતુ એવી કોઇ સાબિતી મળી નથી કે વિદેશી દખલગીરીને કારણે મતદાન પ્રક્રિયા પર કોઇ અસર પડી હોય.