રાજ્યસભાની ૩ બેઠક માટે ૨૪ જુલાઈએ ચૂંટણી, ભાજપનું મંથન શરૂ

ગાંધીનગર, ગુજરાતમાં રાજ્યસભાની ૩ બેઠક માટેની ચૂંટણીને લઈને કેન્દ્ર ચૂંટણી પંચ દ્વારા નોટિફિકેશન જાહેર કરાયું છે. ગુજરાતની ૩ બેઠક માટે ૨૪ જુલાઈએ ચુંટણી યાજાશે. રાજ્યસભાની ચૂંટણી મુદ્દે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્યસભાની ચૂંટણી બિનહરીફ થાય એવી શક્યતા છે.ગુજરાતની ૩ બેઠક માટે ૧૩ જુલાઇ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. ત્રણ કરતા વધુ ફોર્મ આવશે તો મતદાન યોજાશે. તેમજ ત્રણ જ ફોર્મ ભરાશે તો બિનહરીફ જાહેર કરાશે. તેથી લગભગ ૧૭ જુલાઇ સુધી ચિત્ર સ્પષ્ટ થઇ જશે.

રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા મંથન શરૂ કરવામાં આવ્યું છે. ભાજપ દ્વારા ૪ ઝોનમાંથી ૮ થી ૧૨ નામની પેનલ બનાવામાં આવી છે. જ્ઞાતિગત સમીકરણોને આધારે પેનલ તૈયાર કરાઈ છે. ત્યારે ગુજરાતમાંથી એક બેઠક પર એસ જયશંકર યથાવત રહેવાની શક્યતા છે. તો અન્ય ૨ ચેહરાઓ બદલાવાની શક્યતા છે.

દિલ્હી ખાતે આવતીકાલ તા.૭ જુલાઈએ સંગઠનની બેઠક યાજાશે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તથા સંગઠન મહામંત્રી રત્નાકર હાજર રહેશે. સંગઠનની બેઠક બાદ રાજ્યસભાની ચૂંટણીને લઈને અલગથી બેઠક થશે. જેમાં પેનલ રજૂ કરાશે.