મુંબઇ, વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી ૨૦ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. જણાવી દઈએ કે મુંબઈનો બેટ્સમેન તિલક વર્મા ભારતીય ટી ૨૦ ટીમમાં એકમાત્ર નવો ચહેરો હશે. વેસ્ટ ઈન્ડિઝ સામે ૩ ઓગસ્ટથી શરૂ થઈ રહેલી પાંચ ટી ૨૦ ઈન્ટરનેશનલ મેચ માટે ટીમનું નેતૃત્વ હાર્દિક પંડ્યા કરશે.
હવે આ ટીમમાં રિંકુ સિંહને સ્થાન મળ્યું નથી જેનાથી ચાહકો આશ્ર્ચર્યચક્તિ થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર પ્રશંસકો રિંકુની અવગણના કરવા બદલ બીસીસીઆઇને ટ્રોલ પણ કરી રહ્યા છે અને તેની ઘણી ટીકા પણ કરી રહ્યા છે. વાત એમ છે કે બધાને આશા હતી કે આ વખતે રિંકુને ડેબ્યૂ કરવાનો મોકો મળશે, પરંતુ એવું થઈ શક્યું નહીં.
જણાવી દઈએ કે આઇપીએલ ૨૦૨૩માં રિંકુએ શાનદાર રમત બતાવી હતી. આવી સ્થિતિમાં, એવી આશા હતી કે આ વખતે રિંકુને પ્રથમ વખત ટી ૨૦ ટીમમાં તક મળશે. રિંકુએ આઇપીએલ ૨૦૨૩માં ૧૪ મેચોમાં કુલ ૪૭૪ રન બનાવ્યા હતા, જેમાં તેનો સ્ટ્રાઈક રેટ ૧૪૯.૫૩ હતો. નોંધનીય છે કે આઇપીએલ ૨૦૨૩માં ગુજરાત સામેની મેચમાં રિંકુએ છેલ્લી ઓવરમાં સતત ૫ સિક્સર ફટકારી હતી, જેના કારણે તે આઇપીએલનો સૌથી મોટો સુપરસ્ટાર બન્યો હતો.
રિંકુ સિંહ સિવાય ૠતુરાજ ગાયકવાડ, જીતેશ શર્મા, મોહિત શર્મા, વરુણ ચક્રવર્તી, શિવમ દુબે જેવા ખેલાડીઓને ટી ૨૦ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. કેકેઆરના કેપ્ટન નીતિશ રાણા પણ ટી ૨૦ ટીમમાં પોતાની જગ્યા બનાવી શક્યા નથી.
અવેશ હાલમાં દુલીપ ટ્રોફીમાં સેન્ટ્રલ ઝોન તરફથી રમી રહ્યો છે. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજની ગેરહાજરીમાં અવેશ અને ઉમરાન મલિક ડાબા હાથના સીમર અર્શદીપ સિંહને સ્થાન મળ્યું છે. જણાવી દઈએ કે વનડે વર્લ્ડ કપ ભારતમાં રમાવા જઈ રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને પસંદગીકારોએ મહત્વના ફાસ્ટ બોલરોને ટી૨૦ શ્રેણીમાંથી આરામ આપવાનો નિર્ણય કર્યો છે.