દાહોદ શહેર અને જીલ્લામાં ગૌરીવ્રત પુરા થતાં જવારાઓનું જળાશયોમાંં વિર્સજન કરાયું

દાહોદ, દાહોદ શહેર સહિત જીલ્લામાં ગૌરી વ્રતની કુંવારીકા બાળાઓ દ્વારા ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. આજે કુંવારીકાઓ દ્વારા પોતાના જ્વારાઓનું જળાશયોમાં પુજા, અર્ચના કરી વિસર્જન કરવામાં આવ્યું હતું. છેલ્લા પાંચ દિવસથી કુંવારીકાઓ દ્વારા શીવજીની પુજા, અર્ચના કરી, નકોડા ઉપવાસ કર્યા હતાં.

ગૌરી વ્રતની હિન્દુ શાસ્ત્રોમાં અનેરૂ મહત્વ છે. મનગમતો માણીગરની ઈચ્છા સાથે કુંવારીકા બાળાઓ દ્વારા પાંચ દિવસ સુધી આ વ્રત કરે છે જેમાં પાંચ દિવસ સુધી નકોડા ઉપવાસ કરવામાં આવે છે. ભગવાન શીવજીને રીઝવવા માટે કુંવારીકાઓ દ્વારા પાંચ દિવસ સુધી શીવજીના મંદિરે જઈ શીવજીની પુજા, અર્ચના કરવામાં આવે છે. કુંવારીકા બાળાઓ દ્વારા જવારાઓનું એક ટોપલીમાં વાવેતર પણ કરવામાં આવે છે જેમાં જવારાઓને પાંચ દિવસ સુધી ઉછેરવામાં આવે છે અને પાંચ દિવસ સુધી જવારાઓની પણ પુજા, અર્ચના કરવામાં આવે છે. ગૌરી વ્રતના અંતિમ દિવસે જાગરણની રાત્રી હોય છે. આ જાગરણની રાત્રીના દિવસે ભજન, રાશ, ગરબા કરી જાગરણ કરવામાં આવે છે અને બીજા દિવસે વહેલી સવારે કુંવારીકાઓ દ્વારા વાવેતર કરેલ જવારાઓનું જળાશયોમાં વિસર્જન કરવામાં આવે છે. ત્યારે છેલ્લા પાંચ દિવસથી ગૌરીવ્રતની ભક્તિમય રીતે ઉજવણી કરતી કુંવારીકાઓ દ્વારા આજે પોત પોતાના જવારાઓનું જળાશયોમાં પુજા, અર્ચના કરી વિસર્જન કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ પોતાના ઉપવાસ છોડ્યાં હતાં. આજે વહેલી સવારથી જ દાહોદ શહેરના જળાશયોમાં કુંવારીકાઓ દ્વારા જવારાઓનું પુજા, અર્ચના કરી વિસર્જન કરવામાં આવ્યું હતું.