- નગરના લોકો દ્વારા આ બાબતને લઈ પ્રાંત અધિકારી અને વહીવટદારને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો.
ઝાલોદ, ઝાલોદ નગરમાં હવે ઠેર ઠેર વરસાદી પાણી ભરાવવાના બનાવો બની રહ્યા છે. તેમાં વરસાદી પાણીના નિકાલને લઈ સહુથી વિકટ સમસ્યા ગીતામંદિર આગળ વ્યાપાર કરનાર વ્યાપારી વર્ગના લોકોની છે. ગીતામંદિર વિસ્તારમાં આવેલ દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ ગયાના બનાવો કેટલીય વાર બની ગયેલ છે, તેને લઈ અહીંના વ્યાપારીઓને કેટલીયવાર વરસાદી પાણી ભરાઈ જવાથી આર્થિક રીતે નુકશાન પણ થયેલ છે. મોડું મોડું તંત્ર વરસાદી પાણીના નિકાલની કામગીરી માટે જાગ્યુંતો ખરૂં પરંતુ આયોજનમાં અભાવ હોય તેવું નગરના લોકોને લાગી રહ્યું છે.
ગીતા મંદિરથી સ્વર્ણિમ સર્કલ લઈ વરસાદી પાણીના નિકાલની કામગીરી કરવામાં આવતા ગીતા મંદિરના વ્યાપારી વર્ગ તેમજ અહીં વસનાર લોકોમાં ખુશી જોવાતી હતી.
જવાબદાર તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે વણકતળાઈ હનુમાનજી પાછળના તળાવમાં વરસાદી પાણીના નિકાલનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ વાતની જાણ નગરમાં વસતા લોકોને ખબર પડતાં વણકતળાઈ મંદિર પાછળના તળાવમાં વરસાદી પાણી ન છોડવા માટે પ્રાંત ઓફિસર, નગરપાલિકાના વહીવટદાર, ઇ.ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી આ કામગીરી અટકાવવા માટે માંગ કરેલ છે.
નગરજનો માટે હિન્દુ સમાજના આસ્થાનું પ્રતિક એવું વણકતળાઇ હનુમાનજી મંદિર સાથે ખૂબ જ આસ્થા સાથે જોડાયેલ છે. આ મંદિરમાં વર્ષ દરમ્યાન દરેક હિન્દુ તહેવારોની ઉજવણી ખૂબ જ ધૂમ ધામ પૂર્વક થતી હોય છે, તેમજ આ મંદિરમાં વર્ષ દરમ્યાન ભક્તો દ્વારા સવામણીનો અવિરત પ્રવાહ તો ચાલુ જ હોય છે. તેમજ મરણોત્તર પછીની ક્રિયા મંદિરના પાછળના તળાવ પર કરવામાં આવે છે. જો વરસાદી પાણીના નિકાલ માટે જો તંત્ર વણકતળાઇ પાછળના તળાવમાં કરશે તો નગરના સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાય તેમ છે. નગરના હિન્દુ સમાજની આસ્થા સાથે જો ચેડાં કરાશે તો નગરના સમગ્ર હિન્દુ સમાજ આ માટે ઉગ્ર આંદોલન પણ કરશે અને તેના માટે જવાબદાર તંત્ર રહેશે. તેવી પણ ચીમકી નગરજનો દ્વારા આપવામાં આવી હતી.
જવાબદાર તંત્ર વણકતળાઇ મંદિર પાછળ વરસાદી પાણીનો નિકાલ ન કરી અન્ય વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી આયોજન કરે તેવું નગરજનોનુ માનવુ છે.
નગરજનોમાં અંદરો અંદર એવી પણ વાતો વહેતી થયેલ છે કે, જે તે સમયે આવા આયોજન કે આવી કામગીરીને લઈ નગરજનો સાથે કોઈ પણ જાતનું સંકલન કરવામાં આવેલ નથી અને જે તે સમયના જવાબદાર કોર્પોરેટરોએ આ અંગે લાંબુ વિચાર્યા વગરની આ યોજના બનાવેલ છે. તેવો ગણગણાટ નગરજનોમાં થઈ રહેલ છે. વરસાદી પાણીના નિકાલ સાથે તે પાણીમાં ગટરનું પાણી પણ મિક્સ થશે અને આવું ગંધાતુ પાણી વણકતળાઇ મંદિરના તળાવમાં થવાથી સમગ્ર હિન્દુ સમાજની લાગણીને ઠેશ પહોંચશે અને જો જવાબદાર તંત્ર આ અંગે નહીં સાંભળે તો જરૂર પડશે, તો નગરનો સમગ્ર હિન્દુ સમાજ આ અંગે ઉગ્ર આંદોલન કરશે. તેવું આવેદનપત્ર આપી મૌખિક રજૂવાત કરાઈ હતી.
નગરના પ્રાંત અધિકારી, નગરપાલિકા વહીવટદાર તેમજ ઇ.ચીફ ઓફિસર દ્વારા આ અંગે યોગ્ય કામગીરી કરવાની બાહેંધરી આપી હતી.