શહેરાના મીઠાપુર પંચાયત કચેરી માંથી ચોરી થયેલ કોમ્પ્યુટર સહિતના મુદ્દામાલ સાથે હાંસેલાવ ચોકડી પાસે ઈસમોને પોલીસે ઝડપ્યા

શહેરા, શહેરા તાલુકાના મીઠાપુર ગ્રામ પંચાયત કચેરી માં થયેલ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો હતો. પોલીસે બે ચોર પાસેથી ગ્રામ પંચાયત કચેરી માંથી ચોરી થયેલ કોમ્પ્યુટર સહિતનો ચોરીનો મુદ્દામાલ કબજે લઈને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

શહેરા તાલુકાની મીઠાપુર ગ્રામ પંચાયત કચેરીમાં 10દિવસ અગાઉ રાત્રિના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ ગ્રામ પંચાયત કચેરીનો દરવાજો તોડી કચેરીમાં પ્રવેશ કરી કોમ્પ્યુટર, પ્રિન્ટર અને સિલિંગ પંખાની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા. આ બાબતે પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમો સામે ફરિયાદ નોંધાતા પોલીસે ચોરીનો ભેદ ઉકેલી ચોર ઈસમોને પકડી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા. ત્યારે પોલીસ મથકના પોલીસ ઇન્સપેક્ટર પી.એમ.જુડાલને ખાનગી બાતમીદાર દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે હોંસેલાવ ચોકડી નજીક બે ઈસમો બિલ વગરનું કોમ્પ્યુટર તેમજ સીલિંગ પંખો લઈને વેચવા ફરે છે. જે બાતમીના આધારે પોલીસ ઇન્સપેક્ટર પી.એમ.જુડાલે પોલીસ મથકના સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એમ.ડામોર તેમજ તેમની ટીમને સૂચના આપતા બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા હોંસેલાવ ચોકડી નજીક એસર કંપનીનું કોમ્પ્યુટર, પ્રિન્ટર તેમજ સીલિંગ પંખા સાથે બે શંકાસ્પદ ઈસમો મળી આવતા પોલીસે બંનેને ઝડપી પાડી તેઓના નામઠામ પુછતા એક ઈસમે મીઠાપુર બારીયા ફળિયાનો કિરણ શનાભાઈ બારીયા જ્યારે બીજા ઈસમે લુણાવાડા તાલુકા વાંકોડા ગુગલીયા ફળિયાનો સુરપાલ બળવંતભાઈ પટેલીયા હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ આ બંને ઈસમોની પૂછપરછ કરતા આ મુદ્દામાલ ગત તા.21/06/23 ના રોજ મીઠાપુર ગ્રામ પંચાયત કચેરીનું તાળું તોડી ચોરી કરેલાની કબુલાત કરી હતી. આમ, શહેરા પોલીસ દ્વારા શહેરા પોલીસ મથકે નોંધાયેલા ચોરીના અનડિટેકટ ગુન્હાનો ભેદ ઉકેલી ચોરીનો ગુન્હો ડિટેક્ટ કરી ચોરીના મુદ્દામાલ સાથે બે ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી.