દેવભૂમિ દ્વારકામાં ૨૬ વર્ષના યુવાનનું હાર્ટ એટેકથી મોત

દ્વારકા, સૌરાષ્ટ્રમાં દિવસે અને દિવસે હાર્ટ એટેકના બનાવવામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે માત્ર એક અઠવાડિયામાં ચાર જેટલા યુવાનોએ જીવ ગુમાવ્યો છે. આજે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના ધરમપુર ગામમાં રહેતા ૨૬ વર્ષીય યુવાનનું હાર્ટ એટેકના કારણે મોત થતા પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના ધરમપુર ગામમાં ૨૬ વર્ષીય પ્રંશાત કણઝારીયા ફનચરનું કામ કરી રહ્યો હતો. જે દરમિયાન તેને છાતીમાં દુખાવો થયો હતો. પ્રશાંતને છાતીમાં દુખાવો થતો હોવાનું માલુમ થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે ખંભાળિયાની સરકારી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જોકે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ૨૬ વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજતાં પરિવારમાં માતમ છવાયો છે.

નોંધનીય છેકે, સૌરાષ્ટ્રમાં સતત યુવાનોના કારણે મૃત્યુનું પ્રમાણ વધતા ક્યાંક ચિંતાની લાગણી જોવા મળી રહી છે. હજી બે દિવસ પહેલા જ એક જ દિવસમાં સૌરાષ્ટ્રમાં બે બાળકોના હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. આમ સૌરાષ્ટ્રમાં હાર્ટ એટેકના બનાવમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. આ બનાવોએ સ્વાભાવિક રીતે રાજ્યના આરોગ્ય નિષ્ણાતોમાં ચિંતા પ્રેરી છે.

આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે હૃદયરોગના હુમલાનું કારણ કોરોના થયો હોય અને તેના પછી રક્તવાહિની સાંકડી થઈ ગઈ હોય તેમ માનવામાં આવે છે. તેના લીધે આવતા હૃદયરોગનો હુમલો કંઈ હૃદયરોગનો હુમલો હોતો નથી, પણ તેને કાડયાક એરેસ્ટ કહેવાય છે. અહીં તકલીફ એ જ હોય છે કે રક્તવાહિનીઓ સાંકડી હોવાના લીધે લોહીનું પરિભ્રમણ ઝડપથી થતું હોતું નથી. આ સંજોગોમાં જો ખાનપાન યોગ્ય ન હોય તેવા સંજોગોમાં સાંકડી રક્તવાહિનીઓમાં પણ ગઠ્ઠા થવા લાગતા લોહીનો પ્રવાહ અવરોધાય છે. તેના લીધે આવતા હુમલાને હૃદયરોગનો હુમલો કહેવાય છે, પણ વાસ્તવમાં તે કાડયાક એરેસ્ટ હોય છે.