અમદાવાદ, ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરાવવા માટે પોલીસે બુટલેગરો સામે લાલ આંખ કરી છે. હવે બુટલેગરો ગુજરાતમાં દારૂની હેરફેર કરવા માટે વિવિધ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરે છે. જોકે, દરેક વખતે પોલીસ તેમની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કરી દેતી હોય છે. લક્ઝ્યુરિયસ કારમાં દારૂની ખેપ મારવાનો હાલમાં જાણે કે એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે મોડી રાતે ક્રાઇમ બ્રાંચની ટીમે ટાટા હેરીયર કારમાં દેશી દારૂની ખેપ મરાવાનો પર્દાફાશ કર્યો છે. ક્રાઇમ બ્રાંચે આરોપીને પાંજરાપોળ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. જેની પાસેથી ચાર હજારનો ૨૦૪ લિટર દેશી દારૂ મળી આવ્યો છે.
ક્રાઇમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, કડી પાસે આવેલા બલાસર ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલે છે. જેમાં ધર્મેશ ઉર્ફે નાગરાજ પંચાલ પોતાની હેરીયર કારમાં દેશી દારૂનો જથ્થો લાવી રહ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ વોચમાં હતી ત્યારે પાંજરાપોળ પાસે એક હેરીયર કાર પસાર થઇ હતી. જેને રોકી લેવામાં આવી હતી. ક્રાઇમ બ્રાંચે ધર્મેશની અટકાયત કરી લીધી હતી અને બાદમાં કારમાં તપાસ કરી હતી. કારમાંથી ક્રાઇમ બ્રાંચને ૧૦૨ થેલીમાં ૨૦૪ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
આરોપીની પૂછપરછ કરતાં સામે આવ્યું છે કે, આરોપી દેશી દારૂનું વેચાણ કરે છે. આ દારૂનો જથ્થો તે કડીના બલાસર ગામની સીમમાંથી અશ્ર્વિન ઠાકોર નામના વ્યક્તિ પાસેથી લાવ્યો હોવાનું સામે આવ્યું છે. હાલમાં પોલીસ આ સમગ્ર મામલે આરોપીની પૂછપરછ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.