પોલીસ બંદોબસ્ત અને ઉત્તેજના ભર્યા માહોલમાં ગોધરા નગર પાલિકામાં અપક્ષોની સત્તા પ્રમુખપદે સંજય સોની અને ઉપપ્રમુખપદે અક્રમભાઈ પટેલે વિજેતા બની સિંહાસન કબ્જે કર્યું

  • અચાનક સભાખંડ સુધી લકઝરી બસમાં પહોંચેલા૨૫ સભ્યો.
  • અપક્ષોની એક સંપ રંગ લાવતા : પર્વ પૂર્વે જ ધુળેટી.
  • અપક્ષો અને મીમના જોરે પાલિકામાં બે પદાધિકારીઓ સત્તારૂઢ થયા.
  • ભાજપના જુના જોગીઓની ગેરહાજરી ખરેખર નડી તેવા લોકોમાં પ્રશ્ર્નો.
  • અપક્ષોનું શાસન : મીમે ભાજપનો ખેલ બગાડયો.
  • પુરતી સંખ્યા ન હોવા છતાં કરાયેલા લાખ પ્રયત્નો ભાજપા માટે નિષ્ફળ.
  • ૭ બેઠકો ઉપર ચોંકાવનારી જીત મેળવીને પણ સત્તામાં ભાગીદાર બન્યા.

ગોધરા,
ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને અત્યંત ઉત્તેજના ભર્યા માહોલમાં ગોધરા નગર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા યોજાઈ હતી. સરદાર નગર ખંડ પાસે અચાનક અપક્ષો સાથે મીમના મળીને કુલ ૨૫ સભ્યો સાથે લકઝરી બસમાં પહોંચેલા સભ્યો એ બહુમત આધારે પ્રમુખપદે સંજય ચંપકલાલ સોની અને ઉપપ્રમુખપદે અક્રમભાઈ પટેલને ચુંટી કાઢવામાં આવતાં પાલિકામાં અપક્ષોએ કબજો મેળવ્યો છે. પ્રક્રિયા દરમ્યાન ભાજપા એ હોબાળો મચાવતા તમામ સભ્યોને ખંડ બહાર કઢાયા. પુરતી સંખ્યા ન હોવા છતાં કરાયેલા લાખ પ્રયત્નો નિષ્ફળ જતાં સત્તા માટે ભાજપાનું મનમાં ને મનમાં રહી ગયું હતું. પ્રથમવાર લડીને ૭ બેઠકો ઉપર ચોંકાવનારી જીત મેળવીને પણ સત્તામાં પણ ભાગીદાર બનેલા મીમના આ છુપા નિર્ણયને લઈને પ્રજામાં આશ્ર્ચર્ય ફેલાયું હતું.

ગોધરા નગર પાલિકાના પરિણામમાં ભાજપને ૧૮, અપક્ષ ૧૭, ૧ કોંંગ્રેસ અને મીમને ૭ બેઠકો મળતા અસ્પષ્ટ બહુમતી લઈને પહેલા દિવસ થી જ પ્રજામાં પ્રમુખ પદે કોણ સત્તારૂઢ થશે તેવી પ્રજામાં ચર્ચાઓ ઉઠી હતી. વરણી પ્રક્રિયાને લઈને છેલ્લા કેટલાક દિવસો થી સ્પષ્ટ ચિત્ર ન થતાં પ્રમુખ અને ઉપપ્રમુખની ઘુરા સંભાળનાર ચહેરા બાબતે લોકોમાં અનેક તર્ક-વિર્તકો સર્જાયા હતા. બન્ને પક્ષો વચ્ચે તીવ્ર રસ્સાખેંેચ જામીને કોઈપણ ભોગે પદ હાંસલ કરવા યુકિત -પ્રયુકિતઓ અજમાવાઈ રહી હતી. ભાજપ માટે અપક્ષોને ફોડીને સંખ્યાબળ કરવું જરૂરી હતું. તેવી રીતે અપક્ષોને પણ મીમ પાસેથી ટેકો મેળવવો ફરજીયાત બન્યું હતું. આવી ડામાડોળ રાજકીય પરીસ્થિતીમાં સૌપ્રથમવાર મીમે ૭ બેઠકો પ્રાપ્ત કરીને પોતાની કિંમત અને માગ ઉભી કરનાર સભ્યોનો સાથ મેળવવો બન્ને જુથો વચ્ચે કોઈપણ ભોગે આવશ્યક જણાતું હતું. જેથી કાંટાની ટકકર સર્જાઈ હતી. વળી, ભાજપા પણ સિંહાસનના સપનાં જોઈ રહ્યું હતું. અને જીલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા સહિતના આગેવાનો પણ સોગઠા ગોઠવી રહ્યા હતા. અંતે ગોધરા પાલિકાનો નિર્ણય સ્થાનિક નેતાગીરી ઉપર જવાબદારી છોડી દેતા છેલ્લી ધડી સુધી ભાજપે શામ-દામ-દંડના પ્રયત્નો અજમાવીને અપક્ષોને મનામણા કરવા એડીચોટીના જોર લગાડવામાં આવી રહ્યું હતું. તેવી રીતે અપક્ષો પણ મકકમ મને એકજુથ બની રહ્યા હતા. આવી અસમંજસ જેવી સ્થિતીમાં ખુશી કોના નસીબમાં ફળશે તેના ઉપર સૌની મીટ મંડાઈ હતી. છેવટે બુધવારે સરદાર નગર ખંડ ખાતે વરણી પ્રક્રિયાને લઈને ગોઠવાયેલી ચુસ્ત પોલીસ વ્યવસ્થા વચ્ચે અચાનક ખાનગી લકઝરી બસ આવી પહોંચી હતી.

પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણીને લઈને રચાયેલ ઉત્તેજના સભર વાતાવરણમાં પહોંચેલી આ બસ માંથી ૧૮ અપક્ષો સાથે મીમના ૭ સભ્યો મળીને કુલ ૨૫ જેટલા સભ્યો એક પછી એક ઉતરતા ઉપસ્થિત લોકટોળામાંથી દુર થી લોકો કયા કયા ચહેરા તેવા કુતુહલવશે નિહાળીને કિલકારીઓ સાથે માથા ગણી રહ્યા હતા. બંધ ખંડમાં હાથ ધરવામાં આવેલી પ્રક્રિયા ટાણે અપક્ષ અને મીમના સંયુકતપણે ૨૫ સભ્યો દ્વારા બહુમતી હોવાના દાવા રજુ કરી પોતાના પ્રમુખ-ઉપપ્રમુખના નામની જાહેરાત કરવા સાથે ભાજપને પ્રથમ દાવમાં જ રન આઉટ કરી મુશ્કેલીમાં મૂકી દીધું હતું. સામે પક્ષે ભાજપ સંખ્યાબળ માટે લધુમતીમાં મુકાઈ ગયું હતું.ત્યારબાદ કાર્યવાહી હાથ ધરવામાં આવતાં બહુમતી મુજબ ૧૭ અપક્ષો અને ૧ કોંગ્રેસ તથા મીમના ૭ સભ્યોના સથવારે પ્રમુખપદે સંજયભાઈ ચંપકલાલ સોની અને ઉપપ્રમુખપદે અક્રમભાઈ પટેલની ધોષણા કરવામાં આવતા ભાજપ લધુમતીમાં આવી લાચારજનક કફોડી હાલતમાં મુકાઈ ગયંું હતું. પરંતુ વરણી પ્રક્રિયા દરમ્યાન હાર પારખી જનાર ભાજપે ખલેલ ઉભી કરનાર ભાજપના સભ્યોને પોલીસે ખંડ બહાર કાઢવામાં આવ્યા હતા. આ રાજકીય હાઈ વોલ્ટેજના સર્જાયેલા આ બિહામણા દ્દશ્યો નિહાળીને પરિણામ જાણવા લોકોમાં તરેહ તરેહના અનુમાનો મુકાયા હતા. આમ, નગર પાલિકામાં ભાજપને જોરદાર ઝટકો આપીને અપક્ષે મીમની ટેકા થી સત્તાનું સુકાન સંભાળી દીધું હતું. જેના કારણે દિવસો થી ચાલતી અનેક ચર્ચાઓ ઉપર પૂર્ણ વિરામ મૂકાઈ મુકાઈ ગયું હતું. સાથે છુપાયેલ નસીબનું રહસ્ય છતું થવા ઉપરાંત લોકોમાં વ્યાપેલી આતુરતાનો અંત આવ્યો હતો.

પોલીસે ટીંગાટોળી કરીને સભ્યોને ખંડ બહાર કઢાયા….

વરણી પ્રક્રિયા દરમ્યાન અગાઉ ગોઠવાયેલી રણનીતિ આધારે દાવેદારી રજુ કરવામાં આવી હતી. પરંતુ ભાજપાનું સ્વપ્નું રોળાઈ જતાં ભાજપે હોબાળો મચાવી પ્રક્રિયામાં અડચણ ઊભી કરી હતી અને મુખ્યઅધિકારી માટે અભદ્ર વાણી વિલાસ કરવામાં આવતાં પોલીસે એક સભ્યને ટીંગાટોળી કરીને તમામ સભ્યોને બહાર હાંકી કાઢવામાં આવ્યા હતા. અને સભ્યો દ્વારા જય શ્રી રામ, ઈન્કલાબ ઝીંદાબાદ, તાનાશાહી નહીં ચલેગી નહી ચલેંગી તેવા નારા લગાડાતા એકતરફ માહોલ ગરમાઈ ગયો હતો.

હાઈકોર્ટના આદેશ બાદ ઠેરઠેર પોલીસ તૈનાત કરવામાં આવી હતી….

પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા શાંતિમય વાતાવરણમાં યોજવા માટે અગાઉ સભ્ય સંજય સોની દ્વારા હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવતાં કોર્ટે જરૂરી નિર્દેશ કરયા હતા. આ કોર્ટના હુકમ મુજબ પોલીસે પાલન કરતંા સભા ખંડની આસપાસ વહેલી સવાર થી જ ઠેરઠેર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ખંડ તરફના ચારેબાજુના રસ્તા ઉપર પ્રવેશ બંધી ફરમાવી દેવામાં આવી હતી. આ વડોદરા તથા દાહોદ તરફનો હાઈવે માર્ગને એકતરફ બંધ કરવામાં આવતાં વાહનોની લાંબી કતારો જામી હતી.જેના કારણે ટ્રાફિક જામના દ્દશ્યો સર્જાયા હતા.

ભાજપના અનેક ધમપછાડા છતાં સત્તાનું સ્વપ્નું રોળાયું….

અપુરતી સંખ્યા હોવા છતાં ભાજપા સત્તા હાંસલ કરવાના શમણાં સેવી રહ્યું હતું. આ જીત માટે જીલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા દ્વારા જરૂરી રણનીતિ ગોઠવીને વારંવાર મુલાકાતો તથા સમજાવટો આદરાઈ રહી હતી. છેવટે અનેક ધમપછાડા બાદ પણ કોઇ દાળ ન ગળતા અંતિમ રાત્રે નગર પાલિકાની ભગવાકરણની દાવેદારી તેઓ એ મનોમન છોડી દીધી હતી.અને અપક્ષો એ પુન: એકવાર નગર પાલિકા પર સત્તા જમાવતા ભાજપ ને સતા હાંસલ કરવાના મનસૂબા પર ઠંડુ પાણી ફરી વળ્યું હતું તેમ કહી શકાય.દરમ્યાન હથિયાર હેઠા મૂકી દઈને બાદમાં પણ સંખ્યાબળના અભાવે બનેલી બુઠ્ઠી તલવારે પ્રમુખપદ અને ઉપપ્રમુખપદની ચુંટણી લડેલા ભાજપા અને તેઓના માર્ગદર્શકો સાવ નિષ્ફળ નિવડયા હોવાની ચર્ચાઓ પ્રજામાં ફરતી થઈ હતી.

મીમ હુકમનું એકો સાબિત થયો….

પાલિકામાં ૧૮ ભાજપ, ૧૭ અપક્ષ, ૧ કોંગ્રેસ સભ્યો જીત્યા છે. જ્યારે સૌ પ્રથમવાર ચુંટણી જંગમાં ઝંપલાવીને ૭ બેઠક ઉપર મીમનો ઐતિહાસીક જીત મેળવી છે. અને જીત બાદ આ ૭ સભ્યો પાસે સત્તા માટે હુકમનું પાનું હતું. જેથી ભાજપ માટે એક નિરાશા‚પ સંખ્યાબળ હતું. પરંતુ અપક્ષોને આશા હતી કે, છેવટ સુધી સમર્થન મેળવી શકશે. અને તે આધારે આજે ૭ સભ્યો એ એકસંપ કરીને અપક્ષ શાસનને વિજેતા બનાવી દીધો હતો. હવે અપક્ષોના શાસનમાં મીમે ભાજપનો ખેલ બગાડીને સત્તાનો કેન્દ્રરૂપ બનતા ઔવેસીનું રાજ પાલિકામાં સ્થપાયું હોવાનું જોવા મળે છે. અપક્ષ અને ભાજપા વિરૂ દ્ધ મંડાયેલો મોર્ચામાં મીમે પોતે સત્તાની ચાવી મેળવતા ગોધરાનું કનેકશન પણ કંટ્રોલ રૂમ હૈદરાબાદ હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. અને હૈદરાબાદી સ્ટાઈલે લોકોના વિકાસના કાર્યો હાથ ધરશે અને પ્રજાની આકંશાઓ પૂર્ણ કેટલા અંશે સાકાર કરશે તે જોવાનું રહ્યું. પણ રાજકીય પંડિતો માટે આ સત્તાનું અંકગણિત સમજાય તેમ નથી.