બ્રિજભૂષણ સામેના કેસમાં કોર્ટે સગીર પીડિતાનો જવાબ માંગ્યો

નવીદિલ્હી દિલ્હીની કોર્ટે ભાજપના સાંસદ અને WFI ના વડા બ્રિજભુષણ શરણ સિંહ સામેનો કેસ રદ કરવાની ભલામણ કરનારા દિલ્હી પોલીસના આખરી રિપોર્ટ અંગે પીડિતા અને ફરિયાદીનો જવાબ માંગ્યો છે. એડિશનલ સેશન્સ જજ છવી કપૂરે પીડિતા અને ફરિયાદીને નોટિસ આપી પહેલી ઓગસ્ટ સુધીમાં પોલીસના અહેવાલ અંગે જવાબ આપવાનો નિર્દેશ કર્યો હતો.

વિશેષ સરકારી વકીલ અતુલ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ’જજે કેસને આગામી મુદત સુધી મુલતવી રાખ્યો હતો.’ ઉલ્લેખનીય છે કે, દિલ્હી પોલીસે ૧૫ જૂને બ્રિજભુષણ સિંહ સામે POCSO ના આરોપો પડતા મૂકવાની ભલામણ કરી હતી પણ તેની પર છ મહિલા પહેલવાનોની જાતીય સતામણીનો આરોપ મૂક્યો હતો. પોલીસે સગીર મહિલા પહેલવાને સિંહ સામે કરેલી ફરિયાદને ’કોઇ પુરાવા નહીં હોવાથી’ રદ કરવાની ભલામણ કરી હતી. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, પોલીસે ફરિયાદીના નિવેદનોને આધારે અહેવાલ સુપરત કર્યો હતો.

ફરિયાદીમાં સગીર પહેલવાન અને તેના પિતાનો સમાવેશ થતો હતો. પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ (POCSO) એક્ટ હેઠળ ઓછામાં ઓછા ત્રણ વર્ષની જેલની જોગવાઈ છે. જોકે, પોલીસના ક્લોઝર રિપોર્ટને સ્વીકારવો કે વધુ તપાસનો નિર્દેશ આપવા સંબંધી નિર્ણય કોર્ટ લેશે. અગાઉ સરકારે ધરણા પર બેઠેલા પહેલવાનોને ૧૫ જૂન સુધીમાં ચાર્જશીટ ફાઇલ કરવાની બાંહેધરી આપી હતી. તેને લીધે પહેલવાનોએ વિરોધ પ્રદર્શન બંધ કર્યું હતું. પહેલવાનો સગીર કન્યા સહિત સાત મહિલા કુસ્તીબાજો દ્વારા જાતીય સતામણીના આરોપોને પગલે બ્રિજભુષણ સિંહની ધરપકડની માંગણી કરતા હતા.