શહેરાના બોડીદ્રા ખુર્દ પ્રા.શાળામાં લાઈફ સ્કિલ બાળ મેળો નિદર્શન વર્કશોપ યોજયો

શહેરા, શહેરા તાલુકાના બોડીદ્રા ખુર્દ પ્રાથમિક શાળા ખાતે ધોરણ 1 થી 5 ના બાળકો માટે બાળમેળો અને ધોરણ 6 થી 8 ના બાળકો માટે લાઈફ સ્કિલ બાળમેળો નિદર્શન વર્કશોપ યોજાયો હતો. તાલુકાની 66 શાળાના શિક્ષકો એબાળમેળા નિદર્શન વર્કશોપમાં ભાગ લઈ બાળકોને પ્રવૃત્તિઓ કરાવીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

શહેરા તાલુકાના ગુણેલી ક્લસ્ટરની બોડીદ્રા ખુર્દ પ્રાથમિક શાળા ખાતે ડાયટ સિનિયર લેકચરર ગોધરા પંચમહાલના ઉમેશભાઈ ચૌહાણના અધ્યક્ષપદે જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગોધરા પંચમહાલ આયોજીત ધોરણ 1 થી 5 ના બાળકો માટે બાળમેળો અને ધોરણ 6 થી 8 ના બાળકો માટે લાઈફ સ્કિલ બાળમેળો નિદર્શન વર્કશોપનું રાખવામાં આવ્યો હતો. શહેરા બ્લોકના બી.આર.સી. કોર્ડીનેટર રાકેશભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. જ્યારે ગોધરા, મોરવા હડફ અને શહેરા તાલુકાના જુદી જુદી શાળાઓના 66 જેટલા શિક્ષક મિત્રોએ બાળમેળા નિદર્શન વર્કશોપમાં ભાગ લઈ બાળકોને પ્રવૃત્તિઓ કરાવીને અને બાળકોની નવીન પ્રવૃત્તિઓ નિહાળી બાળકોને ઉત્સાહિત કર્યા હતા. સી.આર.સી. કો. ઓર્ડીનેટર નટવરસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ શાળાના આચાર્ય વિજયભાઇ પટેલ અને શાળા પરિવાર દ્વારા બાળઆનંદ મેળાનું વિશેષ આયોજન કરવામાં આવવા સાથે નગર પાલિકા શહેરા ફાયર બ્રિગેડના કર્મચારીઓની ટીમ દ્વારા ડેમોસ્ટેશન આપીને ફાયર સેફ્ટી રિફિલર દ્વારા ત્રણેય પ્રકારની બોટલના ઉપયોગની સમજ આપી અને ડેમોસ્ટેશન કરવામાં આવ્યું હતું. અભયમ ટીમ દ્વારા શાળાની દીકરીઓને સુરક્ષા અને સલામતી માટે માર્ગદર્શન આપવામાં આવીને મેડિકલ ઓફિસર તથા બોડીદ્રા ખુર્દ આરોગ્યની ટીમ દ્વારા સી.પી.આર.ની માહિતી આપવા સાથે બ્લડપ્રેશરની ચકાસણી કરી સારા સ્વાસ્થ્ય માટે બાળકોને ઉત્સાહિત કર્યા હતા. ઘોડેસવારીની બાળકો અને શિક્ષકોએ ખૂબ મજા માણી હતી. ખીચું, પાણીપુરી, સમોસા, બ્યુટી પાર્લર, ખમણ ઢોકળાં, ચણાપુલાવ, પીઝા, ફ્રૂટ, શાકભાજી, લીંબુ શરબત, સેવમમરા, સ્ટેશનરી, ચોકલેટ પડીકા બિસ્કીટ, ચા-કોફી, ચણા-ચાટના સ્ટોલ પર બાળકો અને શિક્ષકોએ અલગ અલગ સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા હતા. બાળકો અને શિક્ષકોએ અલગ અલગ સ્ટોલ પરથી ઘર વપરાશની વસ્તુઓની ખરીદી પણ કરી હતી.