સસ્પેન્ડેડ આઇએએસ અધિકારી ગૌરવ દહિયાની સિસ્ટમમાં રિએન્ટ્રી : ગુજરાત સરકારે ગૌરવ દહિયાને એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે.

  • દિલ્હીની મહિલાના આક્ષેપ બાદ દહિયાને સસ્પેન્ડ કરાયા હતા.

ગાંધીનગર, આઇએએસ અધિકારી ગૌરવ દહિયાને પરત લેવામાં આવ્યા છે. ગૌરવ દહિયાની એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. મહત્વનું છે કે, દિલ્હીની મહિલાએ ગૌરવ દહિયા પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. મહિલાના આક્ષેપ બાદ ગૌરવ દહિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

ગુજરાત કેડરના આઇએએસ ગૌરવ દહિયા સામે દિલ્હીની લીનુ સિંઘ નામની એક મહિલાએ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. ગૌરવ દહિયાનો કેસ હાઈપ્રોફાઈલ અને બહુચર્ચિત હોવાથી પોલીસે આ કેસ અંગે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને જાણ કરી હતી. ત્યારબાદ રૂપાણીના આદેશથી ગુજરાત સરકારમાં ફરજ બજાવતાં ૩ મહિલા આઇએએસ ની એક તપાસ કમિટીની રચના થઈ હતી. જેમાં આક્ષેપ લગાવનાર મહિલા લીનુ સિંઘે પોતાના નિવેદનો નોંધાવ્યા હતા. જે બાદ મહિલા IAS સુનયના તોમરે વિજય રૂપાણીને આ અંગે રિપોર્ટ સોપ્યો હતો. તપાસ સમિતિના રિપોર્ટના આધારે ગુજરાત સરકારે ઓગસ્ટ ૨૦૧૯માં તેમને સસ્પેન્ડ કરી દીધા હતા.

તો બીજી તરફ ગૌરવ દહિયાના વકીલ દ્વારા દહિયા સામે થયેલા તમામ આરોપો ખોટા હોવાનું જણાવ્યું હતું. આ મામલે જુલાઈ ૨૦૨૦માં ગૌરવ દહિયાના વકીલે નિવેદન આપ્યું હતું કે, લીનુ સિંઘના તમામ આક્ષેપો કોર્ટમાં ખોટા પુરવાર થયા છે. જુલાઈ ૨૦૧૯માં ખોટી ફરિયાદ કરી હતી.

ગૌરવ દહિયાના વકીલે જણાવ્યું હતું કે, લીનુ સિંઘે પૈસા પડાવવા માટે ફરિયાદ કરી હતી. ૨૦ કરોડ રૂપિયા અને દિલ્હીમાં મકાનની ડિમાન્ડ પૂરી ન થતા ષડ્યંત્ર રચ્યું હતું. વર્ષ ૨૦૧૫માં જ લીનુ સિંઘના કુલદીપ દિનકર નામના વ્યક્તિ સાથે લગ્ન થઈ ચૂક્યાં હતા. ત્યાર બાદ આ બંન્નેએ ભેગા મળી ગૌરવ દહિયાને ફસાવી અને પૈસા પડાવવા માટે કાવતરું ઘડ્યું હતું. ગાઝિયાબાદથી લીનુ સિંઘના મેરેજ ડોક્યુમેન્ટ પણ મળ્યા છે.

દિલ્હી હાઈકોર્ટે પણ આ કેસમાં લીનુ સિંઘ સામે લાલ આંખ કરીને પ્રીમા ફાસી એટલે કે હાલના તબક્કે ગૌરવ દહિયાને મોટી રાહત આપી હતી. આ ઉપરાંત કોર્ટે લીનુ સિંઘ અથવા તેમના સાથીઓ દ્વારા ફેલાવવામાં આવેલા અને ગૂગલ, ફેસબુક, ટ્વીટર જેવી વેબસાઈટ ઉપર ગૌરવ દહિયાને લગતા અને આ કેસને લગતા લખાણો, પોસ્ટ્સ અને કોઈ પણ પ્રકારના સાહિત્યને દૂર કરીને અથવા તે કન્ટેન્ટને બ્લોક કરી દેવાની સૂચના આપી હતી.