શિક્ષકની બદલી થતાં અરવલ્લીની દોલપુર પ્રા. શાળામાં સર્જાયા ભાવુક દ્રશ્યો, બાળકો પોક મૂકી-મૂકીને રડ્યા

હિંમતનગર,\ અરવલ્લી જિલ્લાની દોલપુર પ્રાથમિક શાળાના શિક્ષકની બદલી થતાં તેમના વિદાય સમારોહમાં આખી સ્કૂલ હીબકે ચડી હતી. શિક્ષકની વિદાય વેળાએ બાળકો પોક મૂકી-મૂકીને રડી પડ્યા હતા. તો શાળાના અન્ય કર્મચારીઓ પણ શિક્ષકને ભેટીને રડી પડ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના દોલપુર ગામે આવેલી પ્રાથમિક શાળામાં છેલ્લા ૧૦ વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા રમેશભાઈ ચૌહાણની જિલ્લામાં આંતરીક બદલી થઈ છે. જેથી રમેશભાઈના વિદાય સમારોહ વખતે દોલપુર પ્રાથમિક શાળામાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. શિક્ષકને વિદાય આપતી વખતે બાળકો પોક મૂકીને રડી પડ્યા હતા.

માત્ર બાળકો જ નહીં પણ દોલપુર પ્રાથમિક શાળાના અન્ય શિક્ષકો પણ ભાવુક થઈ ગયા હતા. શાળાના શિક્ષકો રમેશભાઈને ભેટીને રડી પડ્યા હતા. આ ભાવુક દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. શિક્ષકની વિદાયનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં બાળકોનો શિક્ષક પ્રત્યેનો પ્રેમ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બાળકો શિક્ષકને વિદાય આપતી વખતે ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા છે. શિક્ષક જ્યારે પોતાની કારમાં બેસીને શાળામાંથી નીકળે છે, ત્યારે પણ શાળાના મેદાનમાં બાળકો પોક મૂકીને રડી રહ્યા છે.