અજય દેવગણે મુંબઈમાં ખરીદી ૫ ઓફિસ,૫ દિવસ પહેલા જ કાજોલે મુંબઈમાં રૂ. ૧૬.૫ કરોડનો એપાર્ટમેન્ટ ખરીદ્યો હતો.

મુંબઇ, બોલિવૂડ એક્ટર અજય દેવગને મુંબઈના અંધેરી વેસ્ટ વિસ્તારમાં નવી ઓફિસ ખરીદી છે. ૫ યુનિટ ઓફિસ ધરાવતી આ પ્રોપર્ટીની કિંમત ૪૫ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. મની કંટ્રોલના રિપોર્ટ અનુસાર, ઓશિવારામાં સિગ્નેચર બિલ્ડિંગના ૧૬મા અને ૧૭મા માળે ખરીદેલી આ ઓફિસની કુલ જગ્યા ૧૩,૨૯૩ ચોરસ ફૂટ છે. જો કે, અજયે હજુ સુધી આ અહેવાલો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. અજયે ૧૬મા માળે ત્રણ ઓફિસ સ્પેસ અને ૧૭મા માળે બે જગ્યાઓ ખરીદી છે.

જ્યાં ૧૬મા માળે ઓફિસના ૩ યુનિટ છે અને તેની કિંમત ૩૦.૩૫ કરોડ રૂપિયા છે. આ માટે રૂ. ૧.૮૨ કરોડની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવામાં આવી છે. ૧૭મા માળે આ ઓફિસના બે યુનિટ છે, જેની કિંમત ૧૪.૭૪ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ માટે ૮૮.૪૪ લાખની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવામાં આવી છે.

અજયે આ પ્રોપર્ટી તેના મૂળ નામ વિશાલ વીરેન્દ્ર દેવગનના નામે રજીસ્ટર્ડ કરાવી છે. અભિનેતાએ આ ઓફિસ યુનિટ ખરીદ્યું તેના પાંચ દિવસ પહેલા તેની પત્ની અને અભિનેત્રી કાજોલે ૧૬.૫ કરોડ રૂપિયાનું એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું. ૨,૪૯૩ ચોરસ ફૂટના કાર્પેટ વિસ્તાર સાથે, આ એપાર્ટમેન્ટમાં ૪ કાર પાર્કિંગ સ્પોટ છે.અજયના ઓફિસ રજિસ્ટ્રેશનના ૫ દિવસ પહેલા કાજોલે ૧૬ કરોડના એપાર્ટમેન્ટનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.મનીકંટ્રોલના જ એક રિપોર્ટ અનુસાર, બે વર્ષ પહેલા અજયે મુંબઈના જુહુમાં એક બંગલો ખરીદ્યો હતો. ૪૭૪.૪ ચોરસ મીટરમાં ફેલાયેલા આ બંગલાની કિંમત ૪૭.૫ કરોડ રૂપિયા હતી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં અજયની ફિલ્મ ’ભોલા’ રીલિઝ થઈ છે. તેણે હાલમાં જ અભિષેક કપૂરની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. આમાં તેની સાથે ભત્રીજો અમન દેવગન અને રવિના ટંડનની દીકરી રાશા થડાની જોવા મળશે. આ સિવાય અજય ફિલ્મ ’મેદાન’ માટે યોગ્ય રિલીઝ ડેટ શોધી રહ્યો છે.