દ્વારકાધીશ મંદિરના શિખરે હવે ૫ નહીં ૬ ધજા ચડશે

દ્વારકા, દ્વારકાધીશ મંદિર દેવસ્થાન સમિતિ દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ ભગવાન દ્વારકાધીશજીના મંદિરના શિખર પર આજથી ૧૫ દિવસ સુધી ૫ને બદલે ૬ ધજા ચડાવવામાં આવશે. બિપોરજોય વાવાઝોડાના કારણે અનેક ભાવિકોની ધજા મંદિરના શિખર પર ચડાવી શકાઈ નહોતી. એ ભાવિકોની ધજાજી મંગળ સમયે ઠાકોરજીને અર્પણ કરીને શિખર પર લહેરાવવામાં આવશે.

હવેથી દરરોજ દ્વારકાધીશજીના મંદિરના શિખર પર પાંચ ધજાને બદલે છ ધજાનું આરોહણ કરાશે તેવો નિર્ણય દ્વારકાધીશ મંદિર દેવસ્થાન સમિતિ દ્વારા લેવાયો છે. આપને જણાવી દઈએ કે, દ્વારકાધીશ મંદિરે પહેલા દરરોજ સવારે ત્રણ અને સાંજે બે એમ કુલ પાંચ ધજા ચડાવાતી હતી, પરંતુ હવે સવારે મંગળા આરતી સમયે ચાર અને સાંજે બે એમ કુલ ૬ ધજા મંદિરના શિખર પર ચડાવવામાં આવશે.

દ્વારકાની વાત કરીએ તો દ્વારકા વિસ્તારમાં જ્યારે કોઈ મુશ્કેલી કે સમસ્યા ઉદભવી છે ત્યારે દ્વારકાવાસીઓએ કાળિયા ઠાકોર પર ખૂબ જ શ્રદ્ધા રાખી છે, આ વખતે પણ બપોરજોય વાવાઝોડા પહેલા જગતમંદિરના શિખર પર એક સાથે બે ધજા ચડાવવામાં આવી હતી. એવી લોક માન્યતા છે કે જગતમંદિરના શિખર પર બે ધજા એક્સાથે ચડાવતાં ભગવાન દ્વારકાધીશ અહીંના લોકો પર આવેલી મુસીબતને દૂર કરે છે.

દ્વારકા જગતમંદિર મંદિરના શિખર પર વર્ષોથી અબોટી બ્રાહ્મણો દ્વારા દરરોજ પાંચ ધજા ચડાવવામાં આવે છે. દ્વારકાધીશ મંદિર પર ૫૨ ગજની જ ધજા ફરકાવવામાં આવે છે. જેની પાછળ અનેક માન્યતાઓ છે જેમાં દ્વારકાનગરી પર ૫૬ પ્રકારના યાદવોનું શાસન હતું. એ સમયે તમામના પોતાના મહેલ હતા અને દરેક પર પોતાના અલગ-અલગ વજ લગાવતા હતા. જ્યારે અન્ય ૫૨ પ્રકારના યાદવોનાં પ્રતીક સ્વરૂપમાં ભગવાન દ્વારકાધીશના મંદિર પર ૫૨ ગજની ધજા ફરકાવવામાં આવે છે. ઉપરાંત ૧૨ રાશિ, ૨૭ નક્ષત્ર, ૧૦ દિશા, સૂર્ય, ચંદ્ર અને શ્રી દ્વારકાધીશ સહિત ૫૨ થાય છે. એટલે ૫૨ ગજની ધજા ચડાવાય છે. આમ અનેક માન્યતાઓ પ્રચલિત છે.

દ્વારકાધીશની મંગલા આરતી સવારે ૭.૩૦ વાગે, શ્રૃંગાર સવારે ૧૦.૩૦ વાગે, ત્યાર બાદ સવારે ૧૧.૩૦ વાગે, તથા સાંજની આરતી ૭.૪૫ વાગે અને શયન આરતી ૮.૩૦ વાગે થાય છે. આ સમય દરમિયાન ધજા ચડાવવામાં આવે છે. મંદિરની પૂજા આરતી ગૂગળી બ્રાહ્મણ કરાવે છે. ત્યારબાદ દ્વારકાના અબોટી બ્રાહ્મણ દ્વારા ધજા ચડાવવામાં આવે છે. અત્રે નોંધનીય છે કે નવી ધજા ચડાવ્યા બાદ જૂની વજા પર અબોટી બ્રાહ્મણોનો જ હકદાર હોય છે અને તે કપડાંથી ભગવાનના વો તૈયાર કરવામાં આવે છે.