મહેસાણા, રાજ્યમાં વધુ એક સૈનિક શાળાનું ખાતમુહૂર્ત થયું છે. જિલ્લાના બોરીયાવી ગામે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની તેમજ આરોગ્ય મંત્રી ૠષિકેશ પટેલ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને સહકાર મંત્રી જગદીશ પંચાલની ગરિમામય ઉપસ્થિતિમાં આજે મોતીભાઈ ર.ચૌધરી સાગર સૈનિક સ્કૂલનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું છે.
મોતીભાઈ ર.ચૌધરી સાગર સૈનિક સ્કૂલ મહેસાણાથી ૧૧ કી.મી દૂર બોરીયાવી ગામે ૭૫ કરોડના ખર્ચે અને ૧૧ એકર જમીનમાં બનાવવામાં આવશે. કોઈ સહકારી સંસ્થા દ્વારા સંચાલિત સૈનિક સ્કૂલ સમગ્ર ભારતમાં પ્રથમ સ્કૂલ હશે. દૂધ સાગર ડેરીની એજન્સી દૂધ સાગર રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ એસોસીએસન દ્વારા આ સૈનિક સ્કૂલનું સંચાલન કરવામાં આવશે. રક્ષા મંત્રાલય, ભારત સરકાર દ્વારા બીજી ઓગસ્ટ, ૨૦૨૨નાં રોજ સૈનિક સ્કુલ માટે પરવાનગી આપવામાં આવી હતી.