વિશ્વવિખ્યાત સોમનાથ મંદિરના સમુદ્ર કિનારે ઉભા રહીને વિધર્મી યુવક દ્રારા સોમનાથના ઇતિહાસને હાની પછાડતા વાકયો બોલતા હિન્દૂ સમાજમાં ભારે રોષ ફેલાયો છે વિધર્મી યુવકનો સાડા ત્રણ મિનીટનો વિડીયો સોશીયલ મિડીયામાં વાયરલ થયો છે.આ મામલે સોમનાથ ટ્રસ્ટએ અરજી આપતા પોલીસે ગુનો નોંઘવા તજવીજ હાથ ઘરી છે.
સોશીયલ મિડીયામાં 3 મિનીટ અને 24 સેકન્ડના વાયરલ થયેલ વિડીયો સોમનાથ મંદિરની પાછળના ભાગે અડઘો કી.મી. દુર મરીન પોલીસ ચોકીની સામેના દરીયા કિનારે ભિડીયા વિસ્તારમાં રેકોર્ડ થયા હોવાનું અનુમાન કરાયુ છે. વાયરલ વિડીયોમાં એક વિઘર્મી યુવક ભડકાઉ અને વિવાદિત નિવેદન કરી મહંમદ ગઝનવીએ સોમનાથ મંદિરને લૂંટયાની ઘટનાને બિરદાવતો જોવા મળી રહ્યો છે. વિડીયો રેકર્ડ કરનાર વિઘર્મી યુવક સોમનાથ મંદિરની મુલાકાત લઇ આવેલ હોવાનો ઉલ્લેખ વિડીયોમાં કરે છે. વિઘર્મી યુવક સાથે અન્ય યુવક પણ વાયરલ વિડીયોમાં નજરે પડી રહયો છે.
ઝેડપ્લસ સુરક્ષા ઘરાવતા જગવિખ્યાત સોમનાથ મંદિરની સુરક્ષામાં છીંડા સમાન ઘટના સોશીયલ મિડીયામાં વાયરલ થયેલા ઉશ્કેરણીજનક ઉચ્ચારણો વાળો વિડીયોથી સામે આવી છે. ત્યારે આ મામલે સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ પોલીસમાં વીડિયો બનાવનાર શખ્સ સામે ગુનો નોંઘી કડક કાર્યવાહી કરવા લેખીત ફરીયાદ આપતા પોલીસે ગુનો નોંઘવા તજવીજ હાથ ઘરી હોવાનું પીઆઇ ડી.ડી.પરમારે જણાવેલ છે.
એક તરફ વાયરલ વિડીયોમાં વિઘર્મી દ્રારા સોમનાથના ઇતિહાસને ઠેસ પહોંચાડતા વાકયોના કરાયેલ ઉચ્ચારણોથી હિન્દુ સમાજમાં રોષની લાગણી પ્રસરી છે. તો બીજી તરફ સોમનાથ મંદિરની સુરક્ષા સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. કારણ કે, સોમનાથ મંદિર ઝેડપ્લસ સુરક્ષા ઘરાવતુ હોવાથી સુરક્ષા માટે એસ.આર.પી., ઘોડેસવાર પોલીસ, હોમગાર્ડ, જીઆરડી સહિતનો મસમોટો પોલીસ કાફલો કાયમી તૈનાત રહે છે. અને આ સુરક્ષા પર ડીવાયએસપી કક્ષાના અઘિકારીની ખાસ સોમનાથ સુરક્ષા માટે નિમણુંક કરાઇ છે.