અજિત પવાર છેલ્લા ચાર વર્ષમાં ત્રણ વખત મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ બન્યા

  • પવાર વર્ષ ૨૦૧૯માં ભારતીય જનતા પાર્ટી સરકારમાં થોડા કલાકો માટે નાયબ મુખ્યપ્રધાન હતા.

મુંબઈ,અજિત (૬૩) જમીની સ્તરના નેતા અને સક્ષમ વહીવટર્ક્તાની છબી ધરાવે છે. તેઓ રાજકીય રીતે મહત્વાકાંક્ષી અને પોતાના મનની વાત કરવા માટે જાણીતા છે. તેમણે ૨૦૧૯ પછી ત્રીજી વખત મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન તરીકે ગઈકાલે રવિવારે શપથ લીધા, તેમના આગામી રાજકીય પગલા વિશે મહિનાઓથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો.

અજીત એનસીપી પ્રમુખ શરદ પવારના મોટા ભાઈ સ્વર્ગસ્થ અનંત પવારના પુત્ર છે. અજિતે તાજેતરમાં પાર્ટી નેતૃત્વને મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતાની જવાબદારીમાંથી મુક્ત કરવા અને પાર્ટીના સંગઠનમાં ભૂમિકા સોંપવા માટે અપીલ કરી હતી.

અજિત ૨૦૧૯ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં બારામતી વિધાનસભા મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ફરીથી ચૂંટાયા, ૧.૬૫ લાખથી વધુ મતોના વિશાળ માજનથી જીત્યા.તેમણે નવેમ્બર ૨૦૧૯માં સૌથી ટૂંકા ગાળા માટે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા, કારણ કે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની સરકાર માત્ર ૮૦ કલાક ચાલી હતી.તેઓ ફરીથી ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની એમવીએ સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન બન્યા અને ગયા વર્ષે જૂનમાં ગઠબંધન સરકારના પતન સુધી અઢી વર્ષ સુધી આ પદ સંભાળ્યું.

અગાઉ, અજિત પવાર અશોક ચવ્હાણ અને પૃથ્વીરાજ ચવ્હાણની આગેવાની હેઠળની કોંગ્રેસ-એનસીપી સરકારના ૧૫ વર્ષના કાર્યકાળ દરમિયાન નાયબ મુખ્ય પ્રધાન તરીકે સેવા આપી હતી.

કોંગ્રેસ-એનસીપી અને એમવીએ સરકારોમાં નાણા પોર્ટફોલિયો રાખવા ઉપરાંત, અજિત પાસે જળ સંસાધન અને પાવર પોર્ટફોલિયો પણ હતા. અજિતે ૧૯૮૨માં સહકારી સુગર ફેક્ટરીના બોર્ડ મેમ્બર તરીકે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ ૧૯૯૧ માં પુણે જિલ્લા સહકારી બેંકના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા અને ઘણા વર્ષો સુધી આ પદ પર રહ્યા હતા.અજિત ૧૯૯૧માં બારામતીથી સાંસદ તરીકે ચૂંટાયા હતા, પરંતુ તેમણે કાકા શરદ પવાર માટે બેઠક ખાલી કરી હતી. બાદમાં, તેઓ બારામતીથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને છ વખત મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું. અજિત અગાઉ સુધાકર રાવ નાઈક સરકારમાં કૃષિ અને ઉર્જા રાજ્ય મંત્રી બન્યા હતા અને બાદમાં ૧૯૯૯માં કેબિનેટ મંત્રી તરીકે નિયુક્ત થયા હતા.

અજીતના નજીકના સહયોગીઓ અને પરિવારના સભ્યો તેમના ખાંડ સહકારી એકમો અંગે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તપાસનો સામનો કરી રહ્યા છે.ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે ૨૦૧૪માં ૭૦,૦૦૦ કરોડ રૂપિયાના સિંચાઈ કૌભાંડમાં અજીતની કથિત સંડોવણીને હાઈલાઈટ કરી હતી. અજીતના જળ સંસાધન મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન રાજ્યમાં સિંચાઈ યોજનાઓમાં ગેરરીતિના આક્ષેપો સામે આવ્યા હતા. આ વર્ષે મે મહિનામાં અજિત બીજેપી નેતૃત્વને મળવા માટે દિલ્હી ગયા હતા, તે પહેલા શરદ પવારે પાર્ટીના વડા પદેથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો અને બાદમાં તેને પાછો લઈ લીધો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સુપ્રિયા સુલેને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા બાદ સત્તારૂઢ બીજેપી-શિવસેના ગઠબંધનમાં અજિત જોડાવાની અટકળોએ જોર પકડ્યું હતું.