જામનગરમાં મૂર્તિકાર ને વરસાદનું વિધ્ન નડ્યુ, ૪ હજારથી વધુ ગણેશજીની મૂર્તિ ઓગળી ગઈ

જામનગર, જામનગરમાં ગણેશ ઉત્સવ પહેલા વિધ્નહર્તાની મૂર્તિ બનાવનાર પરિવારને વરસાદ વિધ્ન નડ્યુ છે અને ૧૦ માસમાં તૈયાર કરાયેલ વિધ્નહર્તાની મૂર્તિમાં વરસાદી પાણી ફરી વળતા મૂર્તિઓ ફરી માટી બની ગઈ છે. ૪ હજારથી વધુ મૂર્તિઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. તમામ મૂર્તિઓ ગણેશ ઉત્સવ પહેલા જ વિસર્જન થઈ ગઈ છે.

જામનગર શહેરમાં ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. જેમાં શહેરના ગુલાબનગર પાસે આવેલા નારણનગરમાં વિધ્નહર્તાની મૂર્તિ બનાવનારના ઘરમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. આ વરસાદી પાણીમાં ઘરવખરીને તો નુકશાન થયુ છે. સાથે પરિવારની ૧૦ માસની મહેનત પર પાણી ફરી વળ્યુ છે.

નારણનગરમાં રહેતા અતુલ પ્રજાપતિ જે જાણીતા મૂર્તિ કલાકાર છે. ગણેશ ઉત્સવ દરમિયાન માટીના ઈકોફ્રેન્ડલી ગણેશજીની મુત બનાવે છે. ગણેશની મૂર્તિ ગણેશ ઉત્સવના ૧૦ માસ પહેલાથી બનાવવાનુ શરૂ કરે છે. પરિવારના ૯ સભ્યો દૈનિક ૧૦થી ૧૨ કલાક સુધી મહેનત કરીને માટીના ગણેશજીની મૂર્તિ તૈયાર કરી. હાલ સુધી કુલ ૪૨૦૦ જેટલી નાની-મોટી ગણેશની માટીની મૂર્તિ તૈયાર કરવામાં આવી હતી. જેમાંથી ૧૦૦ જેટલા મૂર્તિના એડવાન્સ ઓર્ડરનુ બુકીંગ કરવામાં આવ્યુ હતુ.

માટીના ગણેશજીની મૂર્તિ તૈયાર કરવા ખાસ પ્રકારની માટીનો ઉપયોગ કરવામાં આવે છે. જેને રંગથી રંગીને મૂર્તિઓ તૈયાર કરવામાં આવે છે. ગણેશ ઉત્સવ બાદ મૂર્તિનું વિસર્જન પાણીમાં થઈ શકે તે પ્રકારની માટીની મૂર્તિઓ તૈયાર કરી હતી. પરંતુ ગણેશ ઉત્સવ પહેલા જ વરસાદી પાણી ઘરમાં ફરી વળતા ઉત્સવ પહેલા જ ગણેશજીનું ત્યાં જ વિસર્જન થયુ છે.

અડધા ફુટની નાની મૂર્તિથી લઈને સાડા પાંચ ફુટ સુધીની મૂર્તિઓ તૈયાર કરવામાં આવી હતી. દર વર્ષે અંદાજે ૧૦ લાખની મૂર્તિનો વેપાર પરિવાર કરતો હોય છે. પરંતુ આ વખતે અંદાજે ૪૨૦૦ જેટલી મૂર્તિ પર પાણી ફરી વળતા મૂર્તિ ફરી માટીના સ્વરૂપમાં આવી છે. જેનાથી મૂર્તિ બનાવનાર ગરીબ પરિવારને અંદાજે ૮ લાખથી વધુનું આર્થિક નુક્સાન થયુ છે.વરસાદના વિરામમાં પાણી તો ઓસરીયા, પરિવાર ફરી ગણેશ ઉત્સવ સુધીમાં નવી મૂર્તિ તૈયાર કરશે. જે માટે વધુ સમય કામ કરીને નવી મૂર્તિ બનાવશે. ઓછો સમય હોવાથી માત્ર ૩૦૦ જેટલી મૂર્તિ બની શકશે.જે માટે પરિવાર રાત-દિવસની મહેનત હાલથી શરૂ કરી છે.