ગોધરા શહેરના પ્રભારોડ પર રહેતા પરિણીતાએ ગોધરા શહેર A ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, એક અજાણ્યા ઇસમે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર તેઓના નામની ફેક આઇડી બનાવી હતી. જે આઇડી દ્વારા તેઓના તેમજ તેઓના પતિના ફોટા મોકલ્યા હતા. તેમજ પરિણીતાના સગા-સબંધીઓને પણ ઈન્સ્ટાગ્રામ દ્વારા ખરાબ ફોટા મોકલ્યા હતા.
જેને લઇને પરિણીતાના પતિએ મેસેજ કરતા સામેથી એક નંબર મોકલ્યો હતો. જે નંબર પર વાત કરતાં અજાણ્યા ઈસમએ જણાવ્યું હતું કે, હું રાજસ્થાનના ધોલપૂરનો રહેવાસી છું અને મે સિલ્વર બિઝનેસ માટે તમને પાંચ હજાર રૂપિયા હતા, અને તમે મને માલ નહિ આપીને મારી સાથે ફ્રોડ કર્યું હતું. જેથી તમે મને મારા પૈસા પરત આપી દેશો તો હું તમારી આ આઇડી બંધ કરી દઈશ અને જો પૈસા પરત નહિ આપો તો આવી અન્ય 20 આઇડી બનાવીને ફોટા મોકલીશ. જેને લઇને પરિણીતાના પતિએ પૈસા આપ્યા હોવાનું પ્રૂફ માંગતા કોઈ માહિતી આપી ન હતી. આમ સોશ્યલ મીડિયાના માધ્યમથી બ્લેકમેઇલ કરનારા અજાણ્યા ઇસમ સામે ફેક આઇડી અને મોબાઇલ નંબરના આધારે આઇટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવા પામી છે.