ઝાલોદ નગરમાં ગુરૂપૂર્ણિમાના પાવન અવસરે સાઈ મંદિર ખાતે મંદિરનો છઠ્ઠો પાટોત્સવ ભારે હર્ષોલ્લાસ પૂર્વક ઉજવાયો

  • વાલ્મીકિ સમાજ દ્વારા બળીયા બાપજીની નવીન મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ રંગેચંગે કરવામાં આવી.
  • વાલ્મીકિ સમાજ દ્વારા સાઈ મંદિર વિસ્તારને ભારતીય સંસ્કૃતિની આન બાન શાન એવા ભગવા ધ્વજથી લહેરાવીને સજાવી દેવામાં આવ્યું હતું.

ઝાલોદ, ઝાલોદ નગરના વાલ્મીકિ સમાજ દ્વારા સાઈ મંદિરનો છઠ્ઠો પાટોત્સવ સર્વ સમાજને સાથે રાખી ધામધૂમ પૂર્વક ઉજવ્યો હતો. સાઈ મંદિર ખાતે વાલ્મીકિ સમાજ તેમજ નગરના લોકો સવારથી જ દર્શન અર્થે ઉમટી પડ્યા હતા. સવારથી જ સાઈ મંદિર ખાતે ભક્તો પુરા ભક્તિ ભાવ પૂર્વક સાઈ મંદિર ખાતે પૂજા અર્ચના તેમજ દર્શન કરવા ઉમટી પડ્યા હતા. સાઈ મંદિરના પાટોત્સવ નિમિત્તે મંદિર ખાતે પૂજા હવન પણ યોજાયો હતો તેમાં વાલ્મીકિ સમાજના સહુ લોકો જોડાયા હતા. વાલ્મીકિ સમાજ દરેક ઉત્સવ ખૂબ જ શ્રદ્ધા તેમજ ભક્તિભાવ સાથે ઉજવતા જોવા મળે છે. વાલ્મીકિ સમાજના સહુ લોકો પરિવાર સાથે મંદિરના પાટોત્સવમાં જોડાયા હતા.

સાંઇ મંદિરની બાજુમાં જ વાલ્મીકિ સમાજ દ્વારા વર્ષો જૂનું શીતળામાતાનું મંદિર જે હતું. તે જગ્યાએ કૃષ્ણ ભગવાન, બળીયા બાપજી (ખાટું શ્યામ) અને શીતળા માતાની નવીન મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા આજે ગુરૂ પૂર્ણિમાના પાવન અવસરે યોજાઈ હતી. ત્રણ દિવસથી પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે દરરોજ મંદિર ખાતે સંપૂર્ણ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ દ્વારા હવન પૂજા તેમજ પ્રાણ પ્રતિષ્ઠા વિઘ્વાન બ્રાહ્મણો દ્વારા કરવામાં આવી હતી. વાલ્મીકિ સમાજ છેલ્લા ત્રણ દિવસથી ખૂબ જ ઉત્સાહ પૂર્વક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવી રહ્યો છે. દરરોજ સાંજે વાલ્મીકિ સમાજના સહુ લોકો સાથે મળી ભક્તિભાવ સાથે ભજન કીર્તન કરતાં હતાં. વાલ્મીકિ સમાજ નગરના દરેક ઉત્સવોમાં એક અનેરૂં સ્થાન ધરાવે છે. નગરના દરેક ઉત્સવોમાં વાલ્મીકિ સમાજ દ્વારા ઉત્સાહભેર ભાગ લઈ ઉત્સવ સફળતા પૂર્વક ઉજવવામાં સિંહ ફાળો આપતો આવ્યો છે.

સાંઈ મંદિરના છઠ્ઠા પાટોત્સવ નિમિત્તે નગરમાં સાંઈ બાબાની શોભાયાત્રા બેંડબાજા અને ભજનોની રમઝટ સાથે કાઢવામાં આવી હતી. હાથમાં ભારતીય સંસ્કૃતિની શાન એવા ભગવો ધ્વજ શોભાયાત્રા દરમ્યાન લહેરાતું જોવા મળતો હતો. શોભાયાત્રાનું નગરમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવતું હતું, તેમજ બસ સ્ટેશન વિસ્તારમાં રાસ ગરબાની રમઝટ પણ કરવામાં આવી હતી. છેલ્લે સહુ વાલ્મીકિ સમાજના લોકો તેમજ નગરના આગેવાનો દ્વારા સાઈ મંદિર ખાતે મહાઆરતી કરી ઉપસ્થિત સહુ લોકો તેમજ નગરના સહુ લોકો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.