ગોધરા જનરલ હોસ્પિટલ ખાતે આરોગ્યના RBSK કાર્યક્રમ અંતર્ગત બાળકો માટે સર્જીકલ કેમ્પનું આયોજન કરાયું

  • વિવિધ બીમારીઓ ધરાવતા જીલ્લાના કુલ 20 બાળકોની સર્જીકલ કેમ્પમાં તપાસ કરાઈ.
  • સરકારની યોજના અંતર્ગત કુલ 16 બાળકોની નિ:શુલ્ક સારવાર અમદાવાદ ખાતે કરાશે.
  • રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ છેવાડાના વ્યક્તિઓ માટે આશીર્વાદ સમાન બની રહ્યો છે.

ગોધરા, રાજ્ય સરકાર દ્વારા સમાજને ઉત્તમ જીવન ધોરણ મળી રહે તે માટે વિવિધ કલ્યાણકારી અને આર્થિક ઉપાર્જન માટેની વિવિધ યોજનાઓ અમલમાં મુકેલ છે. આ યોજનાઓ માટે અનેક પોર્ટલ પણ બનાવવામાં આવ્યા છે. સરકાર દ્વારા દરેક ક્ષેત્રમાં સમાજ પ્રગતિના પંથ ઉપર ચાલે તેવા ઉમદા આશય સાથે આપણી ભવિષ્યની પેઢી એવા બાળકો માટે પણ વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે.ઉજ્જવળ ભવિષ્યના તારલાઓના આરોગ્યના રક્ષણ માટે સરકારના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ RBSK યોજના અમલમાં મૂકેલી છે.

આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યના 0 થી 18 વર્ષ સુધીના તમામ બાળકોને ઉત્તમ આરોગ્યપ્રદ જીવન મળી રહે તે જરૂરી છે. જેના માટે બાળકોના આરોગ્યની દરકાર કરવામાં આર્થિક બાબતો અડચણરૂપ ન બને તેવા ઉમદા આશયથી બાળકોને થયેલ બિમારીનું વિનામૂલ્યે નિદાન અને સારવાર થઈ શકે તે માટે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અમલમાં મુકેલી છે. સદર યોજના છેવાડાના વ્યક્તિઓ માટે આશીર્વાદ સમાન બની છે.

વાત કરીએ પંચમહાલ જીલ્લાની તો 50 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 06 અર્બન હેલ્થ સેન્ટર ખાતે RBSK ટીમ જેમાં આશા બહેનો, ફિમેલ હેલ્થ વર્કર અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરના સંયુકત પ્રયાસો થકી બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવે છે.

જયદીપ હોસ્પિટલ અમદાવાદના સહયોગથી RBSK કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ જીલ્લાની આરોગ્ય શાખા દ્વારા જનરલ હોસ્પિટલ ગોધરા ખાતે બાળકો માટેના સર્જીકલ કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં જીલ્લાના તમામ તાલુકાઓમાંથી RBSK ટીમ દ્વારા પ્રસુતિ સમયે નવજાત શિશુના આરોગ્ય તપાસ દરમિયાન મળી આવેલ ખામીઓ જેવી કે કપાયેલા હોઠ અને તાળવું, વાંકા પગ,કાનની બહેરાશ તથા અભાવ, હાથ અને પગની વિકલાંગતા,જનનઅંગોની ખામીઓ ધરાવતા કુલ 20 બાળકોને RBSKના વાહનોમાં આ કેમ્પમાં રીફર કરવામાં આવ્યા હતા.

ગોધરા જનરલ હોસ્પિટલ ખાતે આ બાળકોની યોગ્ય તપાસ પછી સર્જરીની જરૂરિયાત જણાતા કુલ 16 બાળકોની સર્જરી જયદીપ હોસ્પિટલ અમદાવાદ ખાતે RBSK સંદર્ભ કાર્ડ તથા PM-JAY કાર્ડના સહયોગથી નિ:શુલ્ક કરવામાં આવશે. આ માનવતાના ભગીરથ કાર્યને સફળ બનાવનાર પંચમહાલ જીલ્લા આરોગ્ય, RBSK તથા SBCC ટીમના અથાગ પ્રયત્નો અને PM-JAY તથા અટલ સ્નેહ યોજના અંતર્ગત સરાહનીય કામગીરી કરી હતી. પંચમહાલ જીલ્લાના આ જન્મજાત ખામી ધરાવતા બાળકો તથા તેમના પરિવાર માટે સરકારની યોજનાઓ આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે.