બાલાસિનોર, ચોમાસના વરસાદે તંત્રની પોલ ખોલી હોય તેવા દ્રશ્યો જામ્યા છે. જેમાં બાલાસિનોર વિધાનસભાના ભાજપ ધારાસભ્ય માનસિંહ ચોૈહાણના માળના મુવાડા ગામમાં માર્ગ ધોવાઈ જતા લોકોમાં તંત્રની કામગીરી પર પ્રશ્ર્નો ઉઠ્યા હતા. દેવથી લુણાવાડા રોડ ઉપરથી માળના મુવાડા ધારાસભ્ય માનસિંહ ચોૈહાણના નિવાસ સ્થાન હોવાના કારણે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ પ્રજા જવા માટે આ માર્ગોનો મોટાપાયે ઉપયોગ કરે છે. ત્યારે અવર જવર વધુ રહેતી હોય વાહનચાલકોને માર્ગ ઉપર પડી ગયેલ ખાડાઓને કારણે પરેશાન થવુ પડ્યુ હતુ. ત્યારે ધારાસભ્ય પણ આ જર્જરિત માર્ગ પરથી પસાર થતાં હોવા છતાં પણ સમસ્યાનો હલ કરવાની તસ્દી લેતા નથી. માળના મુવાડા ગામની બહાર મુખ્ય માર્ગ ઉપર પીકઅપ સ્ટેન્ડ બનાવેલ હતુ. પરંતુ તેની જાળવણી ન થતાં હાલ એક પીકઅપ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં છે. ત્યારે ધારાસભ્ય માનસિંહ ચોૈહાણના નિવાસ સ્થાને કામ અર્થે આવતા લોકોને ઉનાળો તેમજ ચોમાસાની ઋતુમાં બહાર ખુલ્લામાં ઉભા રહી વાહનની રાહ જોવાનો વારો આવ્યો છે.